SIR પ્રક્રિયાને લઈને સુરત ભાજપની પત્રકાર પરિષદ,
SIR મુદ્દે કોંગ્રેસના આક્ષેપો સામે ભાજપનો પલટવાર,
તમામ આરોપો પાયાવિહોણા ગણાવ્યા
એસઆઈઆર પ્રક્રિયાને લઈને કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા ચલાવવામાં આવી રહેલાં ભ્રામક પ્રચાર સામે હવે ભારતીય જનતા પાર્ટીએ આક્રમક વલણ અપનાવ્યું હોય તેમ સુરત મહાનગર ભાજપ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને પલટવાર કરવામાં આવ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી દેશની બંધારણીય સંસ્થા ચૂંટણી પંચ સામે અખબારી અહેવાલો અને કાલ્પનિક તથ્યોને આધારે વિપક્ષ દ્વારા સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી સહિત વિપક્ષી નેતાઓ દેશના નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો અને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો ભાજપે સીધો આક્ષેપ કર્યો છે. સુરતમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ શહેર પ્રમુખ પરેશભાઈ પટેલ અને સુરત મેયર માયાબેન માવાણીએ સ્પષ્ટ કર્યું હતુ કે ગઈકાલે મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય કમિશનરોએ સંયુક્ત અખબારી યાદી બહાર પાડીને એસઆઈઆર અંગે સ્થિતિ બિલકુલ સ્પષ્ટ કરી દીધી છે. એસઆઈઆર સંબંધિત તમામ નિર્ણયો સર્વાનુમતે લેવાયા હતા અને તેમાં કોઈ મતભેદ નહોતો. ભાજપના નેતાઓએ કટાક્ષ કરતા જણાવ્યું હતુ કે, ચૂંટણીમાં હારનું ઠીકરું પહેલા ઈવીએમ પર ફોડતી કોંગ્રેસને હવે એસઆઈઆર અને ચૂંટણી પંચ પર ખોટા આક્ષેપો કરવાની આદત પડી ગઈ છે. ફોર્મ નંબર 6માં માંગવામાં આવેલા પિતા, પોતાના કે દાદા-દાદીના તમામ દસ્તાવેજો માન્ય ગણવામાં આવ્યા છે. જનતાને ગેરમાર્ગે દોરવાનો કોંગ્રેસનો આ પ્રયાસ ફરી એકવાર નિષ્ફળ સાબિત થયો છે.
