બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ
નવસારીના બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં આગ
આગની ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ
બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.
બીલીમોરા આઈટીઆઈ સામે આવેલી પ્લાસ્ટિકની હોલસેલ દુકાનના પાછળના ભાગમાં રાખેલા સામાનમાં અચાનક આગ લાગતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતા દુકાનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શરૂઆતમાં દુકાનદાર દ્વારા ફાયર એક્સ્ટિંગ્યુશર અને પાણીની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આગ વધુ ફેલાતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં બીલીમોરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આગનું સ્વરૂપ ગંભીર હોવાથી ગણદેવી નગરપાલિકાની ફાયર ટીમની પણ મદદ લેવામાં આવી હતી. બંને ફાયર ટીમોએ સતત એક કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. દુકાનદારના જણાવ્યા અનુસાર આગમાં અંદાજે 8થી 10 લાખ રૂપિયાનો માલસામાન બળીને ખાખ થયો છે. જોકે, સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
