સુરેન્દ્રનગરના કોંઢમાં ખેડૂતોએ કર્યો ચક્કાજામ.

Featured Video Play Icon
Spread the love

સુરેન્દ્રનગરના કોંઢમાં ખેડૂતોએ કર્યો ચક્કાજામ.
કોંઢ-રાજકોટ રોડ પર ઉતરી આવ્યા ખેડૂતો.
વીજ કંપની સામે લાંબા સમયથી ખેડૂતોનો વિરોધ.

ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે મંગળવારે પાવરગ્રીડ કંપનીની કામગીરીના વિરોધમાં ખેડૂતોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. કોંઢ-સરા માર્ગ પર ચક્કાજામ કરી ખેડૂતોએ કંપની, પોલીસ તંત્ર અને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા એક અઠવાડિયાથી પાવરગ્રીડ કંપની પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોના ખેતરોમાં વીજ ટ્રાન્સમિશન લાઇન માટે વીજપોલ ઉભા કરી રહી છે. કંપની ખેડૂતોની વિવિધ માંગણીઓ અને યોગ્ય વળતરની બાબતોનો નિકાલ કર્યા વિના જ કામગીરી હાથ ધરી રહી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, પોલીસ પ્રોટેક્શનના આધારે કંપનીના કર્મચારીઓ ખેતરોમાં પ્રવેશી રહ્યા છે. ઊભા પાકવાળા ખેતરોમાં જેસીબી સહિતના સાધનોનો ઉપયોગ કરીને પાકને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે પૂરતું અને યોગ્ય વળતર ચૂકવ્યા વગર તેમની માલિકીની જમીનમાં પ્રવેશ કરીને કામગીરી કરવી અન્યાયપૂર્ણ છે.

આ મુદ્દે અગાઉ પણ ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં કેટલાક ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. તેના પગલે ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવી કોંઢ-સરા માર્ગ પર રસ્તા રોકો કાર્યક્રમ યોજ્યો હતો, જેના કારણે માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. રસ્તા રોકો આંદોલનની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને માર્ગ અવરોધ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરી રહેલા અનેક ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓનો સંતોષકારક ઉકેલ નહીં આવે અને યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *