રાજકોટ જિલ્લાના ધોરાજી-જેતપુર હાઈવે પર ભૂતવડ પાસે ભયંકર અકસ્માત.
રામકૃપા ટ્રાવેલ્સની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત.
અકસ્માતમાં 10 થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી
રાજકોટ જિલ્લાના ધોરાજી-જેતપુર હાઈવે પર ભૂતવડ ચોકડી નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખાદ્યતેલ ભરેલા ટેન્કર અને રામકૃપા ટ્રાવેલ્સની બસ વચ્ચે થયેલા આ અકસ્માતમાં 10 થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
રાજકોટથી પોરબંદર જઈ રહેલી એક ખાનગી રામકૃપા ટ્રાવેલ્સની બસમાં આશરે 40 મુસાફરો સવાર હતા. ભૂતવડ ચોકડી નજીક સામેથી આવી રહેલા ખાદ્યતેલ ભરેલા ટેન્કર સાથે આ બસનો અકસ્માત સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બેફામ ગતિએ દોડી રહેલા ટેન્કરના કારણે આ અકસ્માત થયો હોવાનું જણાય છે. અકસ્માત એટલો ભયાવહ હતો કે ટેન્કર પલટી મારી ગયું હતું અને રસ્તા પર તેલ ઢોળાઈ જતાં હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ધોરાજી તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં બસમાં સવાર આશરે 10 જેટલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં ધોરાજી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ અને હાઈવે એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાઈવે એમ્બ્યુલન્સમાં પેરામેડિકલ સ્ટાફ તરીકે ફરજ બજાવતા વાઢીયા દીપભાઈએ જણાવ્યું કે, 10થી વધુ લોકો ઘાયલ હોવાથી અન્ય એમ્બ્યુલન્સની પણ મદદ લેવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી 5 લોકોને વધુ ગંભીર ઈજાઓ હોવાથી તેમને વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા છે.
અકસ્માત બાદ તેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું અને રસ્તા પર મોટા પ્રમાણમાં તેલ ઢોળાઈ ગયું હતું. જેના કારણે ધોરાજી-રાજકોટ નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આશ્ચર્યજનક રીતે, અકસ્માત બાદ રસ્તા પર ઢોળાયેલું તેલ લેવા માટે આસપાસના લોકો એકઠા થયા હતા. જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી. જોકે, પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. અને ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો. આ અંગેની જાણ થતાં ધોરાજી તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માત કયા કારણોસર થયો અને કોની બેદરકારી હતી તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ અકસ્માત સ્થળની આસપાસ સીસીટીવી ફૂટેજ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી