રાજકોટમાં ડીઇઓના પરિપત્રનું કેટલીક ખાનગી સ્કૂલે સુરસુરિયું
શાળાઓએ ચોક્કસ જગ્યાએથી પુસ્તક-યુનિફોર્મ ખરીદવા એડ્રેસ મોકલ્યા,
ડીઇઓ એ કહ્યું નોટિસ આપી છે
રાજકોટની મોટાભાગની ખાનગી શાળાઓ દ્વારા પોતાને ત્યાં જ પુસ્તકોનું વેચાણ કરાતું હોવાના આક્ષેપ સાથે સ્ટેન્શનરી એસોસિએશને કાર્યવાહીની માગ કરી હતી. તો બીજી તરફ હજી તો વેકેશન ખુલવાને અઠવાડિયાનો સમય છે ત્યાં જ મોટાભાગની ખાનગી શાળાઓએ પુસ્તક અને યુનિફોર્મની ખરીદી માટે ચોક્કસ એડ્રેસ સાથેના મેસેજ મોકલી દીધા છે. ત્યારે રાજકોટમાં ડીઇઓના પરિપત્રનું કેટલીક ખાનગી સ્કૂલે સુરસુરિયું થયું છે
શાળાઓ ચોક્કસ જગ્યાએથી પુસ્તકો કે યુનિફોર્મ ખરીદવા આગ્રહ ન કરી શકે તેવો DEOએ પરિપત્ર કર્યો છે અને દંડની જોગવાઈ પણ કરી છે. પરંતુ રાજકોટમાં DEOના પરિપત્રનું કેટલીક ખાનગી સ્કૂલે સુરસુરિયું કરતા શાળાઓએ જે પેમ્પલેટ કે મેસેજ કર્યા છે તેમાં દંડથી બચવાની છટકબારી પણ શોધી લીધી છે. આ મામલે જ્યારે ઈન્ચાર્જ ડીઈઓને પૂછાયું તો તેમણે કહ્યું કે, આ મામલે શાળાઓને નોટિસ આપી છે. રાજકોટની ખાનગી શાળાઓ દ્વારા કઈ રીતે DEO ના પરિપત્રનો છડેચોક ભંગ કરવામાં આવી રહ્યો છે અને વાલીઓ કઈ રીતે છેતરાવા મજબૂર બની રહ્યા છે, રાજકોટનાં નાનામવા મેઈન રોડ કે જયાં એજયુ મોલ આવેલો છે. ત્યાંથી જીનીયસ, જય ઇન્ટરનેશનલ સ્કૂલ, મોદી સ્કૂલ, સર્વોદય સ્કૂલ, ભરાડ, ન્યૂ એરા, મહાત્મા ગાંધી શૈક્ષણિક સંકુલ, જય વિદ્યાલયના વિદ્યાર્થીઓને સ્કૂલ ટેક્સ્ટ બુક્સ, નોટ બુક્સ, યુનિફોર્મ સહિતની ચીજવસ્તુઓ ખરીદવા માટે આગ્રહ રાખવામાં આવે છે. આ ઉપરાંત નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં પણ ચોક્ક્સ લિબર્ટીમાંથી યુનિફોર્મ અને રોયલ સ્ટેશનરીમાંથી પાઠ્ય પુસ્તકો અને સ્ટેશનરી સહિતની ખરીદી માટે ફરજ પાડવામાં આવી રહી છે.
સ્ટેશનરી એસોસિએશન અને વાલીઓની ફરિયાદ બાદ રાજકોટ જિલ્લાની તમામ શાળાઓને સંબોધીને એક પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ વિદ્યાર્થીઓને ચોકકસ દુકાનેથી પુસ્તકો, નોટબુક, સ્કુલબેગ, સ્ટેશનરી સહિતની ચીજવસ્તુઓની ખરીદી અંગે ફરજ પાડવામાં આવતી હશે તો તેના માટે રૂ. 10000 ના દંડની જોગવાઈ છે. અમુક શાળાઓને નોટિસ આપી ખુલાસા પણ પૂછવામાં આવ્યા છે. પરંતુ તેના નામ થોડા દિવસ બાદ જાહેર કરવામા આવશે. વિદ્યાર્થીને ગણવેશ પહેરવા અંગે કોઈ પણ પ્રકારનો દંડ કે શિક્ષા કરવા, વિદ્યાર્થી વાલીની મરજી વિના શાળા છોડવા બાબતે દબાણ કરવા, શાળામાં આવવા માટે શાળાએ નકકી કરેલ વાહનમાં આવવા-જવા માટે દબાણ કરવા, શાળા દ્વારા ચલાવવામાં આવતી હોસ્ટેલમાં રહેવા અને અમુક ચોકકસ દુકાનેથી ગણવેશ, નાસ્તો, પુસ્તકો અને સ્ટેશનરી ખરીદવા દબાણ કરવા બાબતમાં કલમ-17 અંતર્ગત પ્રથમ પ્રસંગે રૂ. 10000 અને તે પછીની દરેક અનિયમિતતા દીઠ /પ્રસંગ દીઠ રૂ. 25000 નો દંડ ફટકારવામાં આવશે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી