જામનગરમાં કરોડોના ખર્ચે બનેલી સ્માર્ટ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ ધૂળ ખાઈ રહી છે
44 માંથી બે શાળાઓને 4 કરોડના ખર્ચે સ્માર્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં તબદીલ કરાય
હજી સુધી વિદ્યાર્થીઓની એડમિશન પ્રક્રિયા પણ હાથ ધરવામાં નથી આવી
જામનગરમાં કોર્પોરેશનની સ્માર્ટ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ બનાવવામાં આવી છે. પરંતુ સત્તાધીશો અને અધિકારીઓની અણઆવડતને કારણે હજી સુધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને મંજૂરી મળી નથી. નવું શૈક્ષણિક સત્ર થોડા દિવસોમાં જ શરૂ થવા જઈ રહ્યું છે. જોકે હજી સુધી વિદ્યાર્થીઓની એડમિશન પ્રક્રિયા પણ હાથ ધરવામાં નથી આવી. તો શિક્ષકોની ભરતી પણ કરવામાં આવી હતી. તેમજ સ્માર્ટ સ્કૂલ માટે ખરીદેલો સામાન ધૂળ ખાઈ રહ્યો છે.
જામનગરમાં મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 44 શાળાઓમાંથી બે શાળાઓને 4 કરોડના ખર્ચે આધુનિક સ્માર્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં તબદીલ કરવામાં આવી હતી. પરંતુ મહાનગરપાલિકાની રાજકીય પાંખની અણદેખીને કારણે હજી સુધી એડમિશનની પોલીસીની જાહેરાત કરવામાં આવી નથી. આવા સંજોગોમાં હજારોની ફી લેતી ખાનગી શાળાઓમાં વાલીઓએ બાળકોના એડમિશન બુક કરાવી લીધા પછી સરકારી નિશુલ્ક શિક્ષણ વારી સ્માર્ટ ઇંગ્લિશ સ્કૂલમાં કેટલા એડમિશન થશે ? તે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય આનંદ ગોહિલનું કહેવું છે કે, જામનગર મહાનગર પાલિકા સંચાલિક નગર પ્રાથમિક શિક્ષણ સમિતીએ ઠરાવ કરીને બે શાળાને સ્માર્ટ ઈંગ્લિશ મીડિયામાં સ્કૂલો ચાલુ કરી છે. આ સ્કૂલો અત્યારે તૈયાર થઈ ગઈ છે. તેની અંદર માલ-મટીરિયલ એમનું એમ પડ્યું છે, આખે આખું ધૂળ ખાય છે, પરંતુ ક્યાકને ક્યાંક શાસન અધિકારી અને પદાધિકારીઓની બેદરકારીના લીધે હજુ સુધી મંજૂરી મળી નથી. હમણા 9 તારીખે સ્કૂલ શરૂ થશે. હજુ સુધી શિક્ષકોની ભરતી નથી થઈ. વિદ્યાર્થીઓના એડમિશન નથી થયા, તો સ્કૂલ ચાલુ નહીં થાય તો આમને આમ જે માલ-મરીટિયલ પડ્યું છે તે ધૂળ ખાશે. તો અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે જ્યાં જેનું મટીરિયલ છે તે જગ્યાએ લગાવી દેવામાં આવે અને તાત્કાલિક સ્કૂલ શરૂ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.
જામનગર બસ સ્ટેન્ડ રોડ પર આવેલ દેવરાજ દેપાળ કુલ ખાતે સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી છે તે જગ્યાએ ચકાસણી કરતા સ્માર્ટ સ્કૂલના સાધનો ધૂળ ખાતા નજરે પડ્યા હતા. કરોડો રૂપિયાના સાધનો ખરીદ્યા બાદ કોઈપણ પ્રકારની યોગ્ય જાળવણી કરવામાં આવી ન હોવાનું પણ સામે આવ્યું હતું. સ્માર્ટ સ્કૂલ તો બનાવી નાખી પરંતુ હજી સુધી મંજૂરી આવી નથી. અધિકારીના જણાવ્યા અનુસાર મંજૂરી માટેની પ્રોસેસ કરવામાં આવી છે, મંજૂરી આવ્યા બાદ એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તો અહીં એ પણ સવાલો ઊભા થયા છે તે એડમિશન પ્રક્રિયા ધર્યા બાદ ઇંગ્લીશ મીડીયમના કયા શિક્ષકો આ શાળામાં બાળકોને અભ્યાસ કરાવશે. હજી સુધી કોઈપણ શિક્ષકોની નિમણૂક આ શાળામાં કરી નથી. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી