જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં આકર્ષણ વધ્યું.
ચાર સિંહબાળને ડિસ્પ્લેમાં મુકાયા.
સાત મહિનાની સંભાળ બાદ સ્વસ્થ સિંહબાળ.
જૂનાગઢ સ્થિત ઐતિહાસિક સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય દ્વારા વન્યજીવ સંરક્ષણ અને સંવર્ધન ક્ષેત્રે વધુ એક પ્રશંસનીય સિદ્ધિ હાસલ કરવામાં આવી છે.
સામાન્ય રીતે એશિયાટીક સિંહના નવજાત બચ્ચાઓનો ઉછેર તેમની માતા દ્વારા જ કુદરતી રીતે કરવામાં આવતો હોય છે, પરંતુ ખાસ વિપરીત પરિસ્થિતિઓમાં સક્કરબાગ ઝૂના વહીવટી તંત્ર અને વેટરનરી તબીબોની ટીમ દ્વારા સિંહના બચ્ચાઓનો માનવ સ્પર્શ અને હસ્તક્ષેપ દ્વારા સફળ ઉછેર કરવામાં આવ્યો છે. હાલ આ બચ્ચાઓ સંપૂર્ણ સ્વસ્થ અને સક્રિય થઈ જતાં તેમને ઝૂના ડિસ્પ્લે કેજમાં મુલાકાતીઓના આકર્ષણ અર્થે મૂકવામાં આવ્યા છે. સક્કરબાગ ઝૂના DCF રાજદીપસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, ઘણીવાર પ્રથમ વખત માતા બનતી સિંહણ અનુભવના અભાવે બચ્ચાની યોગ્ય સંભાળ રાખી શકતી નથી. આ ઉપરાંત, જંગલ વિસ્તારમાંથી રેસ્ક્યૂ કરીને લાવવામાં આવેલી સિંહણ જ્યારે પાંજરામાં બચ્ચાને જન્મ આપે ત્યારે સ્ટ્રેસના કારણે પણ બચ્ચાનું પ્રોપર કેરિંગ થઈ શકતું નથી. આવી સ્થિતિમાં બચ્ચાઓના અસ્તિત્વ સામે જોખમ ઊભું થતાં તંત્ર દ્વારા તેમને માતાથી અલગ કરી તાત્કાલિક ઝૂના રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર ખાતે ખસેડવામાં આવે છે.
એનિમલ હોસ્પિટલમાં તબીબોની વિશેષ દેખરેખ હેઠળ નવજાત બચ્ચાઓને જરૂરી એવા મેક્રો અને માઇક્રો ન્યુટ્રિઅન્ટ્સ યુક્ત ખાસ ‘મિલ્ક રિપ્લેસર ફોર્મ્યુલા’ દ્વારા દર 2થી 3 કલાકે નિયમિત ફીડિંગ કરાવવામાં આવે છે. સતત 3 મહિના સુધી દૂધ અને વિટામિન્સ આપ્યા બાદ, બચ્ચાઓ 3 મહિનાના થાય ત્યારે તેમના પાચનતંત્રને મજબૂત કરવા માટે મટન અને ચિકનનો ઝીણો કીમો બનાવીને સોલિડ ખોરાક આપવાનું શરૂ કરાય છે. 7 મહિનાની ઉંમરે બચ્ચાઓ શારીરિક રીતે સક્ષમ બનતાં તેમને પ્રવાસીઓ માટેના ડિસ્પ્લે કેજમાં શિફ્ટ કરાય છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
