સારોલી શ્યામ સંગિની માર્કેટ આગ કેસમાં આરોપી ઝડપાયો
માર્કેટમાં આગ લગાવી ₹24 કરોડના નુકસાનનો આરોપ
શ્યામ સંગિની માર્કેટ આગ કેસમાં ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી
માનવસર્જિત આગ લગાવનાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો
સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગિની ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી ભીષણ આગના કેસમાં માર્કેટમાં માનવસર્જિત આગ લગાવી અંદાજે 24 કરોડના માલસામાનને નુકસાન પહોંચાડનાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ ગત 9 સપ્ટેમ્બરની રાત્રે કુંભારિયા-ખણ રોડ પર આવેલી શ્યામ સંગિની ટેક્સટાઈલ માર્કેટના છઠ્ઠા માળે અચાનક આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે અલગ-અલગ દુકાનોમાં રહેલા માલસામાન સહિત અંદાજે 24 કરોડનું નુકસાન થયું હતું. સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમોએ સીસીટીવી અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસમાં એક શખ્સ મોઢા પર સફેદ રૂમાલ બાંધી અને ખભા પર બેગ લટકાવીને બોટલમાં રહેલા જ્વલનશીલ પદાર્થથી આગ લગાવતો હોવાનું સામે આવ્યું હતું. જેથી તપાસ વિનોદ પંડિત સાવલે સુધી પહોંચી હતી. અને ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિનોદ સાવલેને ડિંડોલી ફ્લાવર ગાર્ડન નજીકથી ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતુ કે આરોપી અગાઉ શ્યામ સંગિની માર્કેટની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. પગાર અને નોકરી છોડ્યા બાદ બાકી રહેલા આશરે 10 હજારની રકમને લઈને વિવાદ થયો હતો. આરોપી વિનોદએ જણાવ્યુ હતુ કે પૈસા ન મળતા તેણે વેપારીને પાઠ ભણાવવાના ઈરાદે માર્કેટમાં આગ લગાવવાનું નક્કી કર્યું હતું. આરોપીએ અગાઉ પેટ્રોલ ખરીદી બોટલમાં રાખ્યું હતું અને 8 સપ્ટેમ્બરની રાત્રે માર્કેટ બંધ થવાની રાહ જોઈ હતી. મોડી રાત્રે દુકાનની બહાર પડેલા કાપડના જથ્થા પર પેટ્રોલ છાંટી આગ લગાવી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આગ લગાવ્યા બાદ આરોપી રાજસ્થાનના ખાટુ શ્યામ મંદિર અને ત્યારબાદ અયોધ્યા તરફ નાસી ગયો હતો. સુરત પરત ફરતા જ ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે આરોપીને વધુ તપાસ માટે સારોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
