લાજપોર જેલમાંથી પેરોલ પર બહાર આવી ફરાર આજીવન કેદી ઝડપાયો
ગણેશ ઉત્સવ દરમિયાન પોલીસની સઘન વોચ વચ્ચે આરોપી ઝડપાયો
પેરોલ જમ્પ કરનાર આજીવન કેદીને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી, ફરાર આજીવન કેદી ઝડપાયો
સુરતમાં ગણેશ ઉત્સવને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને વોચ પોલીસે રાખી છે ત્યારે લાજપોર જેલમાંથી પેરોલ પર બહાર આવ્યા બાદ ફરાર થયેલા આજીવન કેદીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી ફરી લાજપોર જેલમાં ધકેલવાની કામગીરી હાથ ધરી હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચના નાસતા ફરતા સ્ક્વોડને મળેલી બાતમીના આધારે અશ્વિનીકુમાર ફૂલ માર્કેટ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. જ્યાંથી મહેન્દ્ર ઉર્ફે પિન્ટુ દશરથભાઈ ગામીતને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલો આરોપી વરાછા પોલીસ સ્ટેશનના વર્ષ 2009ના હત્યા અને હત્યાની કોશિશ સહિતના ગુનામાં આરોપી હતો. આ કેસમાં સુરત સેશન્સ કોર્ટ દ્વારા 4 સપ્ટેમ્બર 2014ના રોજ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. મહેન્દ્ર ગામીત લાજપોર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. દરમિયાન 4 મે 2026ના રોજ લાંબી પેરોલ રજા પર જેલ બહાર આવ્યો હતો, પરંતુ 6 જૂન 2026ના રોજ જેલમાં પરત હાજર થવાનું હોવા છતાં હાજર થયો નહોતો અને પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે લાજપોર જેલ તરફથી જાણ કરવામાં આવી હતી અને અડાજણ પોલીસ સ્ટેશનમાં પણ પ્રિઝનલ એક્ટની સંબંધિત કલમો હેઠળ અલગ ગુનો નોંધાયો હતો. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ફરાર કેદીને ઝડપી પાડીને હવે તેને લાજપોર મધ્યસ્થ જેલ ખાતે પરત સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.
