મઢી સુગર ફેક્ટરીની ચૂંટણીની મતગણતરી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ
સહકાર પેનલે ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી
સમીરભાઈ ભક્તના નેતૃત્વ હેઠળ સહકાર પેનલની જીત
મઢી સુગર ફેક્ટરીમાં સહકાર પેનલનું પ્રભુત્વ યથાવત
દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ભારે કૌતુક અને ઉત્સુકતા જગાડનારી પ્રસિદ્ધ મઢી સુગર ફેક્ટરીની ચૂંટણીની મતગણતરી આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ છે. મતગણતરીના અંતે વર્તમાન સહકાર પેનલના આગેવાન સમીરભાઈ ભક્તના સબળ નેતૃત્વ હેઠળ સહકાર પેનલે સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરીને મઢી સુગર ફેક્ટરી પર પોતાનું પ્રભુત્વ અને દબદબો યથાવત રાખવામાં સફળતા મેળવી છે.
આ વખતની ચૂંટણીમાં સહકાર પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. ચૂંટણી પરિણામો મુજબ, સમીરભાઈ ભક્તની સહકાર પેનલના કુલ ૦૯ ઉમેદવારોએ વિજયપતાકા લહેરાવી છે, જ્યારે સામે પક્ષે જિતેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની પરિવર્તન પેનલના ૦૬ ઉમેદવારો વિજેતા બન્યા છે. આ સિવાય ચૂંટણી જંગમાં ઉતરેલા ઉમેદવારોમાંથી ૦૨ અપક્ષ ઉમેદવારોએ પણ જીત મેળવી છે. ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થતાં જ વિજેતા બનેલા બંને અપક્ષ ઉમેદવારો સાથે ટેલિફોનિક સંપર્ક અને વાતચીત કરવામાં આવી હતી, જેમાં તેમણે સહકાર પેનલ સાથે જ રહેવાની અને તેમને પૂર્ણ સમર્થન આપવાની લેખિત તથા મૌખિક બાહેંધરી આપી છે. અપક્ષ ઉમેદવારોના આ સમર્થનથી સહકાર પેનલનું પલડું વધુ મજબૂત અને નિર્ણાયક બન્યું છે. આમ, તમામ સમીકરણો બાદ મઢી સુગર ફેક્ટરીમાં ફરી એકવાર સમીરભાઈ ભક્ત અને સહકાર પેનલનો જ દબદબો સ્પષ્ટપણે સાબિત થયો છે..
