કરદેજમાં વીજ વાયર તૂટતાં ગાયને લાગ્યો કરંટ, મોત
વીજ કરંટથી એક ગાયનું મોત, બે ગાયને ઈજા
કરદેજના મુખ્ય બજારમાં વીજ વાયર તૂટતાં રોષ
એક મહિનામાં 7થી 8 વખત વાયર તૂટ્યાનો સ્થાનિકોનો આક્ષેપ
ભાવનગર શહેર નજીક આવેલા કરદેજ ગામમાં વીજ વાયર તૂટીને પડતાં ત્રણ ગાયને કરંટ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં એક ગાયનું મોત થયું છે, જ્યારે બે ગાયને ઈજાઓ પહોંચી છે. વારંવાર વીજ વાયર તૂટવાની ઘટનાઓને લઈને સ્થાનિકોમાં રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભાવનગર નજીક કરદેજ ગામના મુખ્ય બજારમાં વીજ વાયર તૂટીને પડતાં સુખાભાઈ કસોટીયા નામના માલધારીની ત્રણ ગાયને વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતાં એક ગાયનું ઘટનાસ્થળે મોત થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે બે ગાયને ઈજાઓ પહોંચી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કરદેજના મુખ્ય બજારમાં છેલ્લા એક મહિનામાં 7થી 8 વખત વીજ વાયર તૂટવાની ઘટનાઓ બની હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. મુખ્ય બજારમાં હજારો લોકોની અવરજવર હોવા છતાં તંત્રનું ધ્યાન ન હોવાનો પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, વારંવારની રજૂઆત છતાં વીજ કંપની દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. સરપંચ અને વીજ કંપની સમક્ષ રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વીજ વાયર તૂટવાની ઘટનાઓને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ પણ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી
