સુરતની વરાછા પોલીસે કરોડોની ચીટિંગમાં આરોપીને ઝડપ્યો
મુન્દ્રા પોર્ટમાંથી સસ્તા ભાવે સોનું અપાવવાની લાલચ આપી
જ્વેલર્સ માલિક સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ
સુરતની વરાછા પોલીસે કરોડોની ચીટિંગના ગુનામાં આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ મુન્દ્રા પોર્ટમાંથી સસ્તા ભાવે સોનું અપાવવાની લાલચ આપી જ્વેલર્સ માલિક સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
સુરતની વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી નિકુંજ લુંભાણી અને આરોપી પરેશ ડોબરીયા બંને અગાઉ સાથે કામ કરતા હતા. બન્ને વચ્ચે પરિચય વધ્યા બાદ આરોપી પરેશ ડોબરીયાએ ચીટિંગનો પ્લાન બનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીએ ફરિયાદી નિકુંજને મુન્દ્રા પોર્ટ પરથી સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી પહેલા 15 લાખ રૂપિયા બેંક મારફતે ટ્રાન્સફર કરાવ્યા હતા અને ત્યારબાદ 94 લાખ રૂપિયા રોકડ લીધા હતા. બાદમાં ફરિયાદીને અમદાવાદ બોલાવી સોનું આપ્યા વગર છેતરપિંડી કરી હતી. હાલ તો આરોપી પરેશ ડોબરીયાની ધરપકડ કરી વરાછા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
