ટ્રાન્સપોર્ટની આડમાં દારૂનો ધંધો વધી ગયો
રૂ. 2.64 લાખનો દારૂ મોપેડ પર લઈ જતાં બેની ધરપકડ
પોલીસે તરુણ નારંગ અને વસંત મિસ્ત્રીની ધરપકડ કરી
આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના બણગા સરકાર ફૂંકી રહી છે પરંતુ રોજે રોજ પોલીસ લાખ્ખો રૂપિયાનો દારુ ઝડપી પાડી છે. ત્યારે સુરતની સારોલી પોલીસે વિદેશી દારુની બોટલો સાથે ૨ ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ૨.૬૪ લાખનો દારુ ઝડપી પાડ્યો છે.
આ અંગે સારોલી પોલીસે જણાવ્યું હતું કે , સારોલી પોલીસની ટીમને બાતમી મળી હતી કે, કડોદરા – સુરત રોડ અમદાવાદ તવાફ્રાયથી ડી.એમ.ડી.માર્કેટ જતા રોડ ઉપર ગંદા પાણીની ખાડીના બ્રીજ પાસે જાહેરમાં બે ઈસમો દારૂનો જ્થ્થો લઈને ઉભા છે. જેથી પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તરુણ જીવનદાસ નારંગ અને વસંત ચુનીલાલ મિસ્ત્રીને ઝડપી પાડ્યા છે. પકડાયેલ આરોપીઓ પાસેથી પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની ૯૮ જેટલી બોટલો કબજે કરી હતી. ઝડપાયેલ દારૂની કિંમત ૨.૬૪ લાખથી વધુ થાય છે. પોલીસે દારુ અને અન્ય મુદામાલ મળી ૨.૮૯ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે બન્નેની ધરપકડ કરી દારૂનો જથ્થો કબજે લઇ આરોપીઓ દારૂનો જત્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી તરુણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તરુણ જીવનદાસ નારંગ વિરુદ્ધ સુરતના ખટોદરા પોલીસ મથકમાં એક અને વેસુ પોલીસ મથકમાં ૨ ગુના નોંધાયેલા છે જ્યારે આરોપી વસંત મિસ્ત્રી વિરુદ્ધ સુરતના સારોલી પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.