સુરત સાયબર ક્રાઈમે શેરબજારના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપી
ઈન્દોરના ગેરકાયદેસર કોલ સેન્ટર પર દરોડો
લાખોની ઠગાઈમાં 5 આરોપીઓની ધરપકડ
શેરબજારમાં રોકાણ કરીને મોટો નફો કમાવવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગનો સુરત સાયબર ક્રાઈમે પર્દાફાશ કરી મધ્યપ્રદેશના ઈન્દોરમાં ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટર પર દરોડા પાડી પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.
સુરતના ફરિયાદી સાથે રૂપિયા 14.47 લાખની ઓનલાઇન છેતરપિંડીના ગુનાની તપાસમાં સાયબર ક્રાઈમને મોટી સફળતા મળી છે. આરોપીઓ વોટ્સએપ મારફતે સંપર્ક કરી શેરબજારમાં સારો નફો કરાવવાની લાલચ આપતા હતા. ત્યારબાદ વેલ્થ ટ્રેડ નામની બનાવટી એપીકે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અલગ-અલગ બેંક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કરાવતા હતાં. ટેક્નિકલ તપાસના આધારે સુરત સાયબર ક્રાઈમની ટીમે મધ્યપ્રદેશના ઈન્દોરમાં દરોડો પાડ્યો હતો. જ્યાં આશરે 18 ટેલિકોલર કામ કરતા ગેરકાયદેસર કોલ સેન્ટરનો પર્દાફાશ કરી પાંચ આરોપીઓ હેમંત બુધ્ધરાવ સોનારે, ધર્મેન્દ્ર ઉર્ફે ડિકે રાય, સુધાંષુ સુરેન્દ્ર ગીતે, પ્રવિણ રામસ્વરૂપ રાય અને યશ કમલ કુમાવતને ઝડપી પાડ્યા હતા. તો તપાસમાં કોલ સેન્ટરમાંથી 3079 ગ્રાહકોનો ડેટા મળી આવ્યો છે. જ્યારે છેતરપિંડી માટે ઉપયોગમાં લેવાયેલા 12 બેંક ખાતાઓમાં રૂપિયા 8 કરોડ 22 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં પણ આ બેંક ખાતાઓના આધારે સાત ફરિયાદો નોંધાયેલી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સુરત સાયબર ક્રાઈમ પોલીસે આરોપીઓ પાસેથી 24 મોબાઇલ ફોન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
