માઢીયા નજીક રેઈડ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈનું હાર્ટ એટકથી મોત
વહેલી સવારે દારૂનો જથ્થો અને એક આરોપી ઝડપી લીધાં
ધરપકડ બાદ પીએસઆઈને છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો
ભાવનગર સ્ટેટ મોનિટરિંગ સેલની એક ટીમે ગઈકાલે વહેલી સવારે ભાવનગરના માઢીયા ગામ પાસેથી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. બાદમાં અચાનક રેઈડિંગ ટીમના પીએસઆઈને છાતીમાં દુઃખાવો થતાં તેમને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતીન નોંધ કરી છે. બીજી તરફ વેળાવદર ભાલ પોલીસ મથકમાં ઝડપાયેલા દારૂના જથ્થા અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચીન રાજકુમાર શર્મા તથા તેમની ટીમ વહેલી સવારે ૪ કલાકના અરસમાં બાતમીના આધારે અમદાવાદથી ભાવનગર તરફ આવી રહેલી દારૂ ભરેલી કારનો પીછો કરી રહ્યાં હતા. આ દરમિયાન અચાનક કારે અમદાવાદ તરફ યુ-ટર્ન લઈ લેતા એસએમસીની ટીમે તેમનો પીછો શરૂ રાખ્યો હતો. આ દરમિયાન માઢીયા પાસે કાર અચાનક બંધ થતાં કારમાં સવાર બે શખ્સો એસએમસીની ટીમને જોઈને નાસી છૂટયા હતા. પરંતુ એસએમસીની ટીમે બન્ને શખ્સોનો પીછો કર્યો હતો. જેમાં અશોક બિશ્નોઈ નામના શખ્સને એસએમસીએ ઝડપી લીધો હતો અને કારમાં રાખેલો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. આ દરમિયાન રેઈડિંગ ટીમના પીએસઆઈ સચીન શર્માને અચાનક છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો. જેથી દારૂ અને આરોપીને વેળાવદર ભાલ પોલીસ મથકમાં મુકી પીએસઆઈને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન અરસામાં મોત થયું હતું. જ્યારે પીએમ બાદ તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે હરિયાણા રવાના કરાયો હોવાનુંજિલ્લાપોલીસવડાએ જણાવ્યું હતું….ઇરફાન સોલંકી ભાવનગર
