સુરતના અમરોલી કોસાડ ખાતે તળાવનો નિર્ણય
ખુલ્લા મેદાનને તળાવમાં ફેરવવાના કરાયેલા નિર્ણયનો વિરોધ
100થી વધુ યુવાનોએ કલેકટરાલયે પહોંચી ઉગ્ર રજુઆત કરી
સુરતના અમરોલી કોસાડ ખાતે આવેલ ખુલ્લા મેદાનને તળાવમાં ફેરવવાના કરાયેલા નિર્ણયનો વિરોધ કરાયો છે. અને 100થી વધુ યુવાનોએ કલેકટરાલયે પહોંચી ઉગ્ર રજુઆત કરી ધારાસભ્યો તથા કોર્પોરેટરોને હસ્તક્ષેપ કરવા માંગ કરી હતી.
સુરત શહેરના અમરોલી-કોસાડ વિસ્તારમાં આવેલા સરકારી બ્લોક નંબર 796ના ખુલ્લા મેદાનને તળાવમાં ફેરવવાના વહીવટી તંત્રના નિર્ણય સામે સ્થાનિક યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે મોટી સંખ્યામાં યુવાનો અને સ્થાનિક રહીશોએ ભેગા મળી કલેક્ટર, મામલતદાર અને ભૂસ્તર શાસ્ત્રીને આવેદનપત્ર પાઠવી આ કામગીરી તાત્કાલિક અટકાવવાની માંગ કરી છે. અમરોલી, વરિયાવ, તારવાડી અને છાપરાભાઠા વિસ્તારના અંદાજે 100 થી વધુ યુવાનો આજે સવારે કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા.
સાગર વણઝારા અને અન્ય યુવા અગ્રણીઓની આગેવાનીમાં તંત્રને રજૂઆત કરવામાં આવી હતી કે, વર્ષોથી આ સરકારી મેદાનનો ઉપયોગ યુવાનો ક્રિકેટ રમવા અને સરકારી ભરતીની પરીક્ષાઓ માટે શારીરિક તૈયારી કરવા માટે કરી રહ્યા છે. હવે આ મેદાન છીનવી લેવાના પ્રયાસો થઈ રહ્યા છે. જેથી યુવાનો દ્વારા ધારાસભ્યો અને કોર્પોરેટરોને હસ્તક્ષેપ કરવા માંગ કરી હતી.
