સુરત : વેસુમાં આરોપીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા પડાવ્યા
યુવતી સોશિયલ મીડિયા મારફતે યુવક ઈમરાન શાહના સંપર્કમાં આવી
આરોપી યુવતીના મોબાઈલમાંથી રૂપિયા 76,500 બળજબરીથી પડાવ્યા
વેસુ પોલીસે ઈમરાન શાહ અને મિત્ર સુફીયાન અબ્દુલ શેખની ધરપકડ કરી
સુરતમાં પ્રેમના નામે જાણે હાલમાં માત્ર શોષણ થતુ હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતના વેસુમાં યુવાને યુવતીને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા પડાવ્યા હતાં. આ અંગે યુવતિએ વેસુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવાન અને તેના મિત્રની ધરપકડ કરી હતી.
સુરતની વેસુ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા મારફતે યુવક ઈમરાન શાહના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ ઈમરાન શાહએ તેની સાથે પ્રેમ સંબંધ રાખી છેલ્લા ત્રણ વર્ષથી બંને સાથે ફરતા હતા, પરંતુ બાદમાં યુવતીને આ સંબંધ મંજૂર ના હોવાથી તેણે યુવક સાથે સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. પરંતુ યુવકે તેને બળજબરી કરી પ્રેમ સંબંધ નહીં રાખશે તો તારે પૈસા આપવા પડશે તેમ કહીને યુવતીના મોબાઈલમાંથી રૂપિયા 76,500 બળજબરીથી પચાવી પાડ્યા હતા. એટલું જ નહીં પરંતુ યુવતી સાથે શારીરિક અડપલાં કરી છેડતી પણ કરી હતી અને ઈમરાન શાહ તથા તેના મિત્ર સુફીયાન અબ્દુલ શેખ અને અન્યએ પણ ઈમરાન સાથે પ્રેમ સંબંધ રાખવા બાબતે બીભસ્ત ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનનાર યુવતીએ ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવતા વેસુ પોલીસે ગુનો નોંધી બે આરોપીઓ ઈમરાન શાહ અને તેના મિત્ર સુફીયાન અબ્દુલ શેખની ધરપકડ કરી બન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.