અમરેલી ખાંભા નજીક નકલી પોલીસ ઝડપાયો
હની ટ્રેપનો આરોપી નકલી પોલીસનું આઇકાર્ડ સાથે ઝડપાયો.
શંકાસ્પદ કારની તલાશી લેતા નકલી પોલીસનુ આઇકાર્ડ સાથે ઝડપી પાડયો ……..
અમરેલી જિલ્લાના ખાંભા પોલીસ સ્ટેશનની ટીમે ચૂંટણી બંદોબસ્ત દરમિયાન પેટ્રોલિંગ કરતી વખતે એક મોટી સફળતા મેળવી છે. ડેડાણ વિસ્તારમાં એક શંકાસ્પદ કાળા રંગની સ્વિફ્ટ કારને અટકાવીને તેની તલાશી લેવામાં આવી તો તેમાંથી દારૂની 6 બોટલો મળી આવી હતી. પરંતુ આ સામાન્ય દારૂનો ગુનો પાછળ એક એવા રીઢા ગુનેગારની કાળી કરતૂતો છુપાયેલી હતી જે ખાખી વર્દીના જોરે હનીટ્રેપ જેવા ગંભીર ગુના આચરતો હતો.
અમરેલી જિલ્લાના ખાંભા પોલીસે 32 વર્ષીય આરોપી ચિરાગ ગોબરભાઈ જાદવની ધરપકડ કરી અને તેની કારમાંથી આશરે બે લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, કારની બારીકાઈથી તપાસ કરતા પોલીસને સ્ટીયરિંગ પાસે બનાવેલા એક ગુપ્ત ખાનામાંથી ગુજરાત પોલીસનું એક બનાવટી ઓળખપત્ર મળી આવ્યું હતું. આ કાર્ડમાં આરોપીનો ખાખી વર્દી પહેરેલો ફોટો ચોંટાડવામાં આવ્યો હતો અને આ જ કાર્ડના આધારે તે લોકો પર પોલીસનો રોફ જમાવીને ગેરકાયદેસર રીતે પૈસા પડાવતો હતો. પોલીસે કરેલી પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પકડાયેલો ચિરાગ જાદવ અમદાવાદના નરોડા વિસ્તારમાં થયેલા એક હનીટ્રેપ કેસનો મુખ્ય આરોપી છે અને લાંબા સમયથી ફરાર હતો. હાલમાં કોર્ટે આરોપીના ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ‘નકલી પોલીસ’ રેકેટના અન્ય તાર ક્યાં અને કોની સાથે જોડાયેલા છે.
ટેપ્સમાં સામે આવ્યું છે કે તેણે પોતાના સાગરીતો સાથે મળીને નકલી પોલીસ બનીને એક વ્યક્તિને ફસાવીને તેની પાસેથી ત્રણ લાખ રૂપિયા પડાવ્યા હતા. આટલું જ નહીં, સુરત અને અમદાવાદમાં મારામારી તેમજ લૂંટના છથી વધુ ગુનાઓમાં સંડોવાયેલો આ આરોપી અત્યાર સુધી પોલીસને થાપ આપીને ભાગતો ફરતો હતો. આ ઘટના ચૂંટણીના સમયમાં બની હોવાથી પોલીસ સતર્ક હતી અને આરોપીની કાર રૂટીન ચેકિંગમાં ઝડપાઈ ગઈ. અમરેલી પોલીસની આ સફળતાને કારણે એક ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ પર કાબૂ મેળવી શકાયો છે. પોલીસનું માનવું છે કે આ ટોળકી દ્વારા રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આવી જ રીતે છેતરપિંડી અને લૂંટના ગુના આચરવામાં આવ્યા હોવાની શક્યતા છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
