ભાવનગરના આકાશમાં એરફોર્સની ‘સૂર્યકિરણ’ ટીમના દિલધડક કરતબ
રિહર્સલ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા,
રવિવારે સવારે બોરતળાવ ખાતે યોજાશે ફાઈનલ શો
એશિયાની એકમાત્ર ક્લોઝ ફોર્મેશન એરોબેટિક્સ ટીમનું થશે અદ્ભુત પ્રદર્શન
એર શો અંગે વિગતો આપતાં સૂર્ય કિરણ ટીમના ફાઇટર પાઇલટ સ્ક્વોડ્રન લીડર વિક્રમે જણાવ્યું હતું કે, આશિયાની આ એકમાત્ર ક્લોઝ ફોર્મેશન એરોબેટિક્સ ટીમ છે. ફાઇનલ શો દરમિયાન વાયુસેનાના 9 ફાઇટર જેટ એરક્રાફ્ટ એકસાથે આકાશમાં ઉડાન ભરીને અદ્ભુત એરોબેટિક્સ ડિસ્પ્લે રજૂ કરશે. શોનું મુખ્ય આકર્ષણ તમામ 9 એરક્રાફ્ટ એકસાથે અત્યંત નજીકના ક્લોઝ ફોર્મેશનમાં ઉડીને એરોબેટિક્સ કરતબો દર્શાવશે., 9 એરક્રાફ્ટ બે ટુકડીઓમાં વહેંચાઈને અલગ-અલગ દિશાઓમાંથી સામસામે આવીને રોમાંચક સ્ટન્ટ્સ કરશે., ટીમના કૉમેન્ટેટર સ્ક્વોડ્રન લીડર શરદ ગોયલે લોકોને શોના સમય અને અપડેટ્સ મેળવવા સૂર્ય કિરણ ટીમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ ફોલો કરવા જણાવાયું છે.
ભાવનગરના ઇતિહાસમાં પ્રથમવાર યોજાઈ રહેલા આ રોમાંચક એર શોને લઈને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની ત્રણેય સેનાઓ સક્ષમ, આધુનિક અને આત્મનિર્ભર બની છે. ભાવનગરને આ સુવર્ણ તક આપવા બદલ હું રક્ષા મંત્રી રાજનાથ સિંહનો આભાર વ્યક્ત કરું છું.” તેમણે ભાવનગર, બોટાદ અને સમગ્ર સંસદીય ક્ષેત્રના નાગરિકોને રવિવાર, 1 નવેમ્બરના રોજ સવારે 9:00 વાગ્યે બોરતળાવ ખાતે પરિવાર સાથે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા ભાવભીનું નિમંત્રણ આપ્યું છે. મંત્રીએ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, શિસ્ત જાળવવા તથા બાળકો અને કિંમતી સામાનનું ધ્યાન રાખવા અપીલ કરી હતી. ભાવનગર મહાનગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા આ કાર્યક્રમના સફળ આયોજન માટે છેલ્લા અઠવાડિયાથી રાત-દિવસ તૈયારીઓ કરવામાં આવી છે. આ તકે ધારાસભ્ય સેજલ બેન પંડ્યા, ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર ડો.નરેન્દ્રકુમાર મીના, આગેવાન દિવ્યેશભાઈ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર એન.ડી.ગોવાણી સહિત પદાધિકારીઓ – અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
