નવસારીના સુપા ગામમાં બનશે અત્યાધુનિક આઈ હોસ્પિટલ ‘દ્રષ્ટિ ધામ’

Featured Video Play Icon
Spread the love

નવસારીના સુપા ગામમાં બનશે અત્યાધુનિક આઈ હોસ્પિટલ ‘દ્રષ્ટિ ધામ’
₹450 કરોડના ખર્ચે ગુજરાતની સૌપ્રથમ સુપર સ્પેશ્યાલિટી આઈ હોસ્પિટલનું નિર્માણ
200 બેડ, 21 ઓપરેશન થિયેટર અને 64 ઓપીડીની સુવિધા
દર વર્ષે 1.20 લાખ ઓપરેશન થઈ શકે તેવી સુવિધા ઊભી કરાશે
દ્રષ્ટિહીન લોકો માટે પુનર્વસન અને વ્યવસાયિક તાલીમ કેન્દ્ર બનશે
5થી 13 ડિસેમ્બર દરમિયાન મોરારીબાપુની રામકથાનું આયોજન
રામકથા દરમિયાન મેગા આઈ કેમ્પ યોજાશે

નવસારીના સુપા ગામમાં ગુજરાતની સૌપ્રથમ અત્યાધુનિક સુપર સ્પેશ્યાલિટી આઈ હોસ્પિટલ ‘દ્રષ્ટિ ધામ’નું નિર્માણ કરવામાં આવશે. સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા અંદાજે 450 કરોડ રૂપિયાના ખર્ચે આ હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે. અહીં આંખના વિવિધ રોગોની સારવાર સાથે દ્રષ્ટિહીન લોકોને આત્મનિર્ભર બનાવવા માટે પુનર્વસન અને વ્યવસાયિક તાલીમ કેન્દ્ર પણ શરૂ કરવામાં આવશે. આ સેવાકાર્યના લાભાર્થે આગામી 5થી 13 ડિસેમ્બર દરમિયાન મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.

નવસારીના સુપા ગામમાં નેત્ર સારવારના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલ થવા જઈ રહી છે. સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા અંદાજે 450 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સુપર સ્પેશ્યાલિટી આઈ હોસ્પિટલ ‘દ્રષ્ટિ ધામ’નું નિર્માણ કરવામાં આવશે. ટ્રસ્ટના પ્રમુખ ડૉ. ભાવિનભાઈ પટેલના જણાવ્યા મુજબ, આશરે 16 વીઘા જમીનમાં નિર્માણ પામનારી આ હોસ્પિટલમાં 200 બેડ, 21 ઓપરેશન થિયેટર અને 64 ઓપીડીની સુવિધા ઉપલબ્ધ રહેશે. અહીં મોતિયો, ગ્લુકોમા, રેટિના સહિત આંખના વિવિધ રોગોની સારવાર માટે નિષ્ણાત ડૉક્ટરોની ટીમ કાર્યરત રહેશે. હોસ્પિટલમાં દર વર્ષે અંદાજે એક લાખ વીસ હજાર ઓપરેશન થઈ શકે તેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. સમાજના છેવાડાના માનવી સુધી રાહતદરે અથવા નિઃશુલ્ક નેત્ર સારવાર પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટે પુનર્વસન કેન્દ્ર પણ સ્થાપવામાં આવશે. જ્યાં તેમને દૈનિક જીવનમાં સ્વાવલંબન, મોબાઈલ અને કમ્પ્યુટરનો ઉપયોગ તેમજ શિક્ષણ અને રોજગારલક્ષી તાલીમ આપવામાં આવશે. આ સેવાકાર્યના લાભાર્થે આગામી 5થી 13 ડિસેમ્બર 2026 દરમિયાન પૂજ્ય મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા દરમિયાન મેગા આઈ કેમ્પ પણ યોજાશે. સમગ્ર આયોજનમાં ચાર હજારથી વધુ સ્વયંસેવકો સેવા આપશે. ટ્રસ્ટ દ્વારા અગાઉ પણ પ્રોજેક્ટ દ્રષ્ટિ અંતર્ગત વર્ષ 2025-26 દરમિયાન 420થી વધુ નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ યોજી 44,800થી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે 11,531 લોકોને નિઃશુલ્ક ઓપરેશનનો લાભ આપવામાં આવ્યો હતો. આમ, ‘દ્રષ્ટિ ધામ’ના નિર્માણથી નેત્ર સારવારની સાથે દ્રષ્ટિહીન લોકોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં પણ મહત્વપૂર્ણ પહેલ થવા જઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *