ચીખલીમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ આક્રમક મૂડમાં
આજે ચીખલી ખાતે મોંઘવારીના વિરોધમાં એક વિશાળ રેલીનું આયોજન
બળદગાડા સાથે નીકળેલી રેલી
ચીખલીમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી. નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ચીખલી ખાતે મોંઘવારીના વિરોધમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બળદગાડા સાથે નીકળેલી આ વિરોધ રેલીમાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને મામલતદારને આવેદનપત્ર પાઠવી વધતા જતા ભાવો પર કાબૂ મેળવવાની માંગ કરી છે.
નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેશમાં સતત વધી રહેલી મોંઘવારીના વિરોધમાં અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. ચીખલી ખાતે કોંગ્રેસના કાર્યકરો અને ધારાસભ્ય અનંત પટેલએ બળદગાડા સાથે રેલી યોજીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજબરોજ થતો વધારો, રાંધણ ગેસ તેમજ કોમર્શિયલ ગેસના સિલિન્ડરમાં ઝીંકાયેલો ભાવવધારો અને નવી શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ સ્ટેશનરી, નોટબુક અને ચોપડાના ભાવોમાં થયેલા અસહ્ય વધારાને પગલે સામાન્ય જનતા પીસાઈ રહી છે. આ તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા ચીખલી મામલતદારને એક આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું અને ટેક્સમાં રાહત આપીને ભાવો પર વહેલી તકે કાબૂ મેળવવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર દ્વારા વહેલી તકે મોંઘવારી પર લગામ લગાવવામાં નહીં આવે અને સામાન્ય જનતાને રાહત નહીં મળે, તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનશે અને રસ્તા પર ઉતરીને જલદ વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે..
