સોનગઢ નગરપાલિકાનો બેધારી તલવાર જેવો વહીવટ
સામાન્ય જનતા સામે ‘લાલ આંખ’ અને મોટા માથાઓ સામે ‘ભાઈબંધી’
સોનગઢ નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા વેરા વસૂલાતની કામગીરીમાં ગંભીર પક્ષપાત અને અનિયમિતતા સામે આવી રહી છે. એક તરફ તંત્ર દ્વારા સામાન્ય નાગરિકોને ધમકાવીને વસૂલાત કરવામાં આવી રહી છે, તો બીજી તરફ લાખો રૂપિયાનો વેરો બાકી રાખનારા મોટા વેપારીઓ સામે તંત્ર ‘મહેરબાન’ હોય તેવું જણાય છે.
શહેરમાં વેરા વસૂલાત માટે નીકળેલા કર્મચારીઓ કે એજન્સીના માણસો પાસે કોઈ પણ પ્રકારનું સત્તાવાર I-card હોતું નથી. નિયમ મુજબ, કોઈ પણ સરકારી કે અર્ધ-સરકારી વસૂલાત માટે આવનાર વ્યક્તિએ પોતાની ઓળખ આપવી અનિવાર્ય છે. આમ છતાં, આ માણસો સામાન્ય લોકોના ઘરે જઈને પાવર કટ (લાઈટ કાપવા) અને સીલ મારવાની સીધી ધમકીઓ આપી રહ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે નગરપાલિકા પોતે કરોડો રૂપિયાના DGVCL (વીજ કંપની) ના બિલો ભરવામાં નિષ્ફળ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નગરપાલિકાના પોતાના લાઈટ બિલ બાકી હોવા છતાં, તેઓ સામાન્ય જનતાના મીટર કાપવાની વાતો કરી પજવણી કરી રહ્યા છે. જે નૈતિક રીતે પણ યોગ્ય જણાતું સામાન્ય માણસ જો થોડો પણ વેરો બાકી રાખે તો તંત્ર તાત્કાલિક પગલાં લે છે, પરંતુ શહેરના મોટા શોરૂમ ધારકો, કોમ્પ્લેક્સના માલિકો અને વગદાર વેપારીઓ સામે તંત્ર લાચાર દેખાઈ રહ્યું છે. આ મોટા માથાઓ સાથે તંત્રના અધિકારીઓની ‘ભાઈબંધી’ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. શું તંત્ર માત્ર મધ્યમ વર્ગને જ લૂંટવા બેઠું છે ? તેવો પ્રશ્ન જનતામાં ઉઠી રહ્યો છે. વસૂલાત માટે આવતા દરેક વ્યક્તિ પાસે સત્તાવાર ઓળખપત્ર હોવું જોઈએ. વસૂલાતની પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ અને મોટા બાકીદારોના નામ જાહેર કરવા જોઈએ..
