કુંભારવાડાના નારી રોડ પર અકસ્માતને આમંત્રણ આપતો “ભૂવો”
ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ યોગ્ય પેચવર્ક નહી કરતા સમસ્યા
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં નારી રોડ પર એક થી વધુ જગ્યાએ મોટા મોટા ભુવા પડી રહ્યા છે તાજેતરમાં ભૂગર્ભ ડ્રેનેજ લાઈન પાથરવાની કામગીરી પૂર્ણ થયા બાદ યોગ્ય પેચવર્ક ન કરવામાં આવતા આ સમસ્યાનું સર્જન થયું હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.
ભાવનગરમાં સમસ્યાઓનો સરવાળા અને સળગતી સમસ્યાઓથી અકબંધ એવા કુંભારવાડા વિસ્તારમાં ચોમાસાના આરંભ સાથે જ વધુ એક નવી સમસ્યાએ જન્મ લીધો છે કુંભારવાડામાં નારી રોડ પર થોડા સમય પૂર્વે ભૂગર્ભ ડ્રેનેજ લાઈન પાથરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરી પૂર્ણ થયા બાદ જવાબદાર કોન્ટ્રાક્ટર – તંત્ર દ્વારા રસ્તાઓનું યોગ્ય લેવલીંગ અને પુરાણ સાથે પેજ વર્ક ન કરવામાં આવતા વરસાદ શરૂ થતા ની સાથે જ અલગ અલગ જગ્યાએ મોટા મોટા ભુવા પડી રહ્યા છે આ ભુવા પડવાના કારણે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે આજે સવારે એક રીક્ષા આ ભુવા માં ફસાઈ જતા સ્થાનિક લોકોએ મહા મહેનતે રીક્ષા બહાર કાઢી હતી એવી જ રીતે આ રોડ પરથી દરરોજ હેવી લોડેડ વાહનો પસાર થતા હોય આથી મોટી જાનહાની સર્જાવવાની સંભાવના પ્રબળ બની રહી છે આ બાબતથી તંત્ર સારી રીતે વાકેફ હોવા છતાં જવાબદારોને જાણે મોટી જાનહાની કે અકસ્માતની રાહ હોય તેમ ભુવાઓનું પુરાણ કે સમસ્યાઓનું નિરાકરણ લાવવા રાહ જોઈ રહ્યા છે જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
