ઉકાઈ ખાતે લક્ષ્મીપત સિંઘાનિયા પબ્લિક સ્કૂલમાં ભવ્ય ‘જ્ઞાન મંથન 2026’ જ્ઞાન-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
ઉકાઈ, જિલ્લા તાપી: ઉકાઈ તાલુકાના ફોર્ટ સોનગઢ સ્થિત લક્ષ્મીપત સિંઘાનિયા પબ્લિક સ્કૂલ ખાતે બુધવાર, તા. 4 નવેમ્બર, 2026ના રોજ શાળાના આચાર્ય ડૉ. અંજુ શ્રીવાસ્તવના પ્રેરણાદાયી માર્ગદર્શન અને કુશળ નેતૃત્વ હેઠળ ભવ્ય જ્ઞાન અને વિજ્ઞાન પ્રદર્શન ‘જ્ઞાન મંથન (GYAN MANTHAN 2026)’નું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો શુભારંભ સવારે 9:15 કલાકે મુખ્ય મહેમાન શ્રી રાઘવેન્દ્ર હેબ્બરજી અને તેમના ધર્મપત્ની, પી. પી. સવાણી સ્કૂલ વ્યારાના આચાર્ય શ્રી અંકિત પંચોલી, માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ સોનગઢના આચાર્ય શ્રી એમ. કૃષ્ણ ચંદ્ર અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્ય શ્રી અંકિત જૈન સહિત અન્ય મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શનમાં નર્સરીથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા, વૈજ્ઞાનિક અભિગમ અને નવીન વિચારોનું સુંદર પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ વિજ્ઞાન, ગણિત, રોબોટિક્સ, સામાજિક વિજ્ઞાન (SST) અને વાણિજ્ય જેવા વિવિધ વિષયો પર આધારિત અવનવા મોડેલ્સ અને પ્રાયોગિક રજૂઆતો દ્વારા પોતાની પ્રતિભા રજૂ કરી હતી. વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસપૂર્વક મહેમાનો અને મુલાકાતીઓને પોતાના મોડેલની કાર્યપદ્ધતિ તથા ઉપયોગિતા સમજાવી હતી. મુખ્ય મહેમાન શ્રી રાઘવેન્દ્ર હેબ્બરજી, શ્રી અંકિત પંચોલીજી અને શ્રી એમ. કૃષ્ણ ચંદ્રજીએ વિદ્યાર્થીઓની મહેનત અને પ્રતિભાને બિરદાવી હતી તથા માર્ગદર્શક શિક્ષકોના પ્રયાસોની પ્રશંસા કરી હતી. જે. કે. પેપર લિમિટેડના વિશિષ્ટ મહેમાન શ્રી સુબ્રહ્મણ્યમજીએ વિદ્યાર્થીઓની વિવિધ કૃતિઓનું રસપૂર્વક નિરીક્ષણ કરી તેમના પ્રયાસોને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત શ્રી લિંગરાજ પાણિગ્રહી, શ્રી રૂપેશ મતાલે, ડૉ. મેહુલ તથા CISFના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી સર્વેશ કુમાર યાદવ સહિતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી પોતાના મૂલ્યવાન વિચારો અને અનુભવો દ્વારા તેમનું માર્ગદર્શન કર્યું હતું. આ પ્રસંગે ઉકાઈ ITIના બે શિક્ષકો આશરે 70 વિદ્યાર્થીઓ સાથે પ્રદર્શન નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા. વાલીઓ અને અન્ય મુલાકાતીઓએ વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ, નવીન સંશોધનાત્મક વિચારશક્તિ અને સંવાદ કૌશલ્યને નિહાળી આનંદ અને સંતોષ વ્યક્ત કર્યો હતો. ‘જ્ઞાન મંથન 2026’ માત્ર એક પ્રદર્શન નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત પ્રતિભાને બહાર લાવવા, વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા અને આત્મવિશ્વાસ વધારવાનું એક સુંદર માધ્યમ સાબિત થયું હતું. કાર્યક્રમની ભવ્ય સફળતા બદલ શાળાના આચાર્ય અને સમગ્ર શાળા પરિવારે આનંદ વ્યક્ત કર્યો હતો. આગામી શૈક્ષણિક સત્રમાં પણ આવા જ્ઞાનવર્ધક અને નવીનતાસભર કાર્યક્રમો વધુ ભવ્ય રીતે યોજવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો…
