સુરત કતારગામમાં હત્યાથી ચકચાર
ગોટાલાવાડી ચાર રસ્તા પાસે ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી મૃતદેહ મળ્યો
અજાણ્યા યુવકનું માથા વગરનું નગ્ન ધડ મળી આવ્યું
સુરતમાં દિવાળીના તહેવારો વચ્ચે હત્યાની એક ચોંકાવનારી ઘટના બની હતી. કતારગામના ગોટાલાવાડી ચાર રસ્તા પાસે આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી અજાણ્યા યુવકનું માથા વગરનું નગ્ન ધડ મળી આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી તો બનાવની જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.
સુરતના કતારગામ વિસ્તારમાં જાણે ક્રાઈમની સનસનાટી ફેલાઈ હતી. ગોટાલાવાડી ચાર રસ્તા પાસે આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી 30થી 35 વર્ષના અજાણ્યા યુવકનું માથા વગરનું નગ્ન ધડ મળી આવ્યું હતું. 3 નવેમ્બરની રાત્રે ઘટનાની જાણ થતાં કતારગામ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ, એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમ દોડી આવી હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતકનું કપાયેલું માથું અલકાપુરી રેલવે ટ્રેક પરથી મળી આવ્યું છે. ધડ અને માથા વચ્ચે આશરે ત્રણ કિલોમીટરનું અંતર હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં પૈસાની લેતીદેતીના મામલે હત્યા થઈ હોવાની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે. તો હત્યા બાદ મૃતકની ઓળખ છુપાવવા માથું અલગ કરવામાં આવ્યું હોવાની પણ આશંકા છે. હાલ તો પોલીસના અનુમાન મુજબ હત્યા આશરે બે દિવસ પહેલાં થઈ હોઈ શકે છે. હાલ મૃતકની ઓળખ મેળવવા ગુમ થયેલા લોકોની વિગતો અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરવામાં આવી છે.
