ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં મારામારી
શાંતિનગર રોડ પર ત્રણ યુવકો પર હુમલાનો આક્ષેપ
છરી, પાઇપ અને ધોકા વડે હુમલો કરાયો હોવાની માહિતી
મોક્ષ મંદિર પાછળ મહેશ જોગીના કારખાના પાસે બની ઘટના
ભાવનગર: શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા મોક્ષ મંદિર પાછળ શાંતિનગર રોડ પર મહેશ જોગીના કારખાના પાસે મારામારીની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ યુવકો પર છરી, પાઇપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, પરમાર કમલેશભાઈ કેસાભાઈ, ફિરોજ મન્સૂરી અને અરમાન ફિરોજભાઈ મન્સૂરી નામના ત્રણ યુવકોને સફુ લાલા અને અન્ય બે અજાણ્યા શખ્સોએ માર માર્યો હોવાનો આક્ષેપ છે. આરોપીઓ દારૂ અને પાવડરના નશામાં આવી જાહેર રસ્તા પર લોકોને હેરાન કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. અગાઉ પણ મોબાઈલ અને રોકડ રકમની લૂંટ કરવામાં આવતી હોવાની વાત જણાવાઈ છે. દરમિયાન આજે ફરી નશાની હાલતમાં આવી ત્રણ યુવકો સાથે મારામારી કરવામાં આવી હતી. આ બનાવમાં આશરે રૂ. 10,000ની રોકડ રકમ લૂંટાઈ હોવાનો પણ આક્ષેપ છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી છે. જાહેર રસ્તા પર નશાની હાલતમાં લોકોને હેરાન કરતા અને મારામારી કરતા શખ્સો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
