સુરત:પોતાને સરકારી સાયબર ફોરેન્સિક અધિકારી ગણાવી વેપારી સાથે ઠગાઈ
બનાવટી ઓળખકાર્ડ અને સરકારી બોર્ડવાળી કારનો કર્યો ઉપયોગ
11 મહિનામાં વેપારી પાસેથી રૂ. 1.29 કરોડથી વધુ પડાવ્યા
સુરત સાયબર ક્રાઈમે આરોપીને ઝડપી પાડ્યો
સુરત સાયબર ક્રાઈમે ફરી એક ઠગને ઝડપી પાડ્યો હતો. ઠગે પોતાને સરકારી સાયબર ફોરેન્સિક અધિકારી અને ક્રિપ્ટોકરન્સી નિષ્ણાત ગણાવી વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. બનાવટી સરકારી ઓળખકાર્ડ, સરકારી બોર્ડવાળી કાર અને ટેકનિકલ ભાષાનો ઉપયોગ કરી 11 મહિનામાં વેપારી પાસેથી 1 કરોડ 29 લાખથી વધુ રૂપિયા પડાવ્યા હતાં.
સુરતમાં સાયબર ઠગોએ છેતરપિંડીનો નવો રસ્તો અપનાવ્યો હોય તેમ ન કોઈ હથિયારી, ન કોઈ ધમકી માત્ર સરકારી અધિકારી હોવાનો સ્વાંગ અને ક્રિપ્ટોકરન્સીમાં કરોડોના નફાની લાલચ આપી હતી. મુખ્ય આરોપી પ્રિયાંક સમીરભાઈ વ્યાસે પોતાને સરકારી સાયબર ફોરેન્સિક વિભાગનો અધિકારી અને ડોક્ટરેટની ડિગ્રી ધરાવતો નિષ્ણાંત ગણાવ્યો હતો. ભારતના રાજચિહ્નવાળું બનાવટી ઓળખકાર્ડ, સરકારી બોર્ડવાળી કાર અને નકલી ટ્રાન્ઝેક્શન સ્ક્રીનશોટ બતાવી સુરતના પેટ્રોકેમિકલ વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. આ સમગ્ર કાવતરામાં સુરતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રોહન કેલાવાલાએ વેપારીની ઓળખાણ પ્રિયાંક વ્યાસ સાથે કરાવી હતી. ફોરેક્સ ટ્રેડિંગ, આઈપી સર્વર અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવી કરોડોનું ફંડ અપાવવાની લાલચ અપાઈ હતી. ત્યારબાદ ગેસ ફી, ટ્રાન્ઝેક્શન ફી, સર્વર ચાર્જ અને વિથડ્રોઅલ ફીના નામે 21 હપ્તામાં કુલ 1.29 કરોડથી વધુ પડાવવામાં આવ્યા હતા. વિશ્વાસ જાળવી રાખવા વચ્ચે-વચ્ચે 4.70 લાખ પરત પણ કરવામાં આવ્યા હતા. પરંતુ બાકીના 1.24 કરોડથી વધુ પરત નહીં આપી છેતરપિંડી આચરવામાં આવી હતી. જે અંગે સુરત સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાતા જ સુરત સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મુંબઈના મીરા રોડ પરથી મુખ્ય આરોપી પ્રિયાંક વ્યાસને ઝડપી પાડ્યો છે જે અંગે સાયબર ક્રાઈમ ડીસીપીએ વધુ માહિતી આપી હતી.
