પાલિતાણાના ચકચારી હત્યા કેસમાં અદાલતનો મહત્વપૂર્ણ ચુકાદો
બે વર્ષ જૂના યુવકની હત્યા કેસમાં આવ્યો ચુકાદો
હાથ ઉછીના નાણાંની લેતીદેતીના મનદુઃખમાં થઈ હતી હત્યા
હત્યા કેસમાં ભાવનગર જિલ્લા અદાલતે સંભળાવ્યો ચુકાદો
ભાવનગર જિલ્લાના પાલિતાણામાં બે વર્ષ અગાઉ હાથ ઉછીના નાણાંની લેતીદેતીના મનદુઃખમાં થયેલ યુવકની હત્યાના ચકચારી કેસમાં ભાવનગર જિલ્લા અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે.
પાલિતાણામાં અફઝલ દિનુભાઈ સમાની છરીના ઘા ઝીંકી હત્યા કરવાના કેસમાં પાંચ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ર સપ્ટેમ્બર ૨૦૨૪,ના રોજ રાત્રીના સમયે પાલિતાણામાં સદવિચાર હોસ્પિટલ પાસે આવેલા રામદેવ કોમ્પ્લેક્સ નજીક ફરિયાદી આકીબભાઈ લાખાપોટા, તેમના મિત્ર જુનેદ નોડિયા અને માસીના દીકરા અફઝલ સમા ઉભા હતા. તે દરમિયાન હાથ ઉછીના નાણાંની લેતીદેતીના મનદુ:ખને લઈને સિરાજભાઈ રાધનપરા અને સિકંદરભાઈ સૈયદ સહિતના શખ્સોએ એકસંપ કરીને હુમલો કર્યો હતો.હુમલા દરમિયાન સિકંદરભાઈએ અફઝલને પકડી રાખ્યો હતો, જયારે સિરાજભાઈએ પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી અફઝલની છાતીમાં ઘા ઝીંક્યો હતો. ગંભીર ઇજાના કારણે અફઝલનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. જયારે ફરિયાદી આકીબભાઈને પણ તાહિરભાઈએ છરીના ઘા મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને ૧૦ થી ૧૨ ટાંકા લેવા પડયા હતા. આ ઉપરાંત ગફારભાઈ ધારિયું અને તૌફિકભાઈ લોખંડનો પાઇપ લઈને આવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ કેસની ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આખરે ૩ નવેમ્બર ૨૦૨૬ ના રોજ ભાવનગરની ૩જી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પી.પી. જાડેજાની અદાલતે પાંચ આરોપીઓ સિરાજભાઈ રજાકભાઈ રાધનપરા, સિકંદરભાઈ નાથાભાઈ, તાહિરભાઈ ગફરભાઈ રાધનપરા, ગફારભાઈ મુસાભાઈ રાધનપરા અને તૌફિકભાઈ ગફારભાઈ રાધનપરાને આજીવન કેદની સજા ફટકારી છે. જયારે બે વર્ષ જૂના આ હત્યા કેસમાં પાંચેય આરોપીઓને આજીવન કેદની સજા થતાં મૃતક અફઝલના પરિવારને ન્યાય મળ્યો છે
