નવી નક્કોર ગાડીમાં ભંગાર જેવી હાલત

Featured Video Play Icon
Spread the love

નવી નક્કોર ગાડીમાં ભંગાર જેવી હાલત
વ્યારામાં આદિવાસી ગ્રાહકનો રોષ ફાટી નીકળ્યો

કહેવાય છે કે ટાટા એટલે ભરોસો, પણ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના એક ગ્રાહક માટે આ ભરોસો હવે માથાનો દુખાવો બની ગયો છે. લાખો રૂપિયા ખર્ચીને લીધેલી નવી નક્કોર ગાડીએ એક જ વર્ષમાં માલિકને રોડ પર લાવી દીધો છે. વારંવારના રિપેરિંગ અને કંપનીની લાલિયાવાડીથી કંટાળીને અંતે આદિવાસી યુવાને ટાટા મોટર્સના શોરૂમ પર પોસ્ટરો સાથે હલ્લો બોલાવ્યો હતો.શું છે સમગ્ર મામલો ? જાણીએ

પીડિત ગ્રાહકે આક્ષેપ કર્યો છે કે તેમણે લીધેલી Di-Folder અલ્ટ્રોઝ ફૅમિલી ગાડી લીધાને હજુ એક વર્ષ પણ પૂરું થયું ન હતું , ત્યાં જ ગાડીમાં ખામીઓનો પહાડ સર્જાયો છે. ગાડી ઓઈલ ખાવા લાગતા વ્યારા ટાટા મોટર્સમાં એન્જિન બ્લોકનું મોટું કામ કરાવવું પડ્યું. એન્જિન રિપેર થયા બાદ સેન્સરની સમસ્યા ઉભી થઈ અને ગાડી અધવચ્ચે રસ્તામાં જ બંધ પડી ગઈ. લાખોની ગાડીને ટોઈંગ કરીને શોરૂમ સુધી લાવવાની નોબત આવી. શોરૂમમાં ફરી રિપેરિંગ થયા બાદ અત્યારે ગાડી ફરીથી ઓઈલ ખાવા માંડી છે, જે દર્શાવે છે કે કંપનીના એન્જિનમાં જ મેન્યુફેક્ચરિંગ ખામી છે. “આદિવાસી વિસ્તારમાં આવી ગાડી વેચવાનું બંધ કરો” વારંવારના ધક્કા અને આર્થિક નુકસાનથી કંટાળેલા આદિવાસી ગ્રાહકે આજે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે હાથમાં પોસ્ટરો પકડ્યા હતા જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે, “આદિવાસી વિસ્તારમાં આવી ગાડીઓ વેચીને લોકોને છેતરવાનું બંધ કરો.” “અમે મહેનતની કમાણીથી ગાડી લઈએ છીએ, શોરૂમમાં ધક્કા ખાવા માટે નહીં. જો નવી ગાડીમાં જ વારંવાર એન્જિન ખોલવું પડતું હોય, તો ટાટા જેવી મોટી કંપનીએ શરમ અનુભવવી જોઈએ.” – પીડિત ગ્રાહક કૌશલ ગામીત ટાટા મોટર્સ વ્યારા શોરૂમ પર સવાલ ઊભા થાય છે .

૧. શું આદિવાસી વિસ્તારના ગ્રાહકોને ગુણવત્તા વગરની ગાડીઓ પધરાવવામાં આવે છે?
૨. એક બે વર્ષમાં ત્રણ વખત ગાડી કેમ રિપેર કરવી પડે?
૩. ગ્રાહકનો જે આર્થિક અને માનસિક ત્રાસ થયો તેનું વળતર કોણ આપશે?
હાલ તો આ મામલો સોશિયલ મીડિયા અને વ્યારા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. જો ટાટા મોટર્સ દ્વારા સત્વરે આનું નિરાકરણ નહીં લાવવામાં આવે, તો આદિવાસી સંગઠનો આ મામલે ઉગ્ર આંદોલન કરે તેવી શક્યતા છે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *