જામનગરમાં એનાલોગ પનીરના પ્રતિબંધની કડક અમલવારી
શહેરમાં ફૂડ વિભાગની ટીમો દ્વારા ચેકિંગ
પીઝા પાર્લરમાંથી 12.50 કિલો એનાલોગ ચીઝ જપ્ત
જામનગરમાં પીઝા પાર્લર અને નાસ્તાની દુકાનોમાં ફૂડ વિભાગની રેડ કરવામાં આવી છે. 12.50 કિલો એનાલોગ ચીઝ જપ્ત કરી વેપારીઓને કડક સૂચના આપી છે.
જામનગર શહેરમાં નાગરિકોના આરોગ્યની સુરક્ષા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા એક સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત ફૂડ અધિકારીઓની ટીમ દ્વારા જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી નાસ્તાની દુકાનો, પિઝા પાર્લર, રેસ્ટોરન્ટ અને ફાસ્ટફૂડ સેન્ટરો પર અચાનક રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચકાસણી શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહી અંગે માહિતી આપતા JMC ફૂડ સેફટી ઓફિસર એન. પી. જાસોલીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા એનાલોગ ચીઝ અને પનીરના ઉપયોગ અંગે ચોક્કસ દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે. જો કોઈ વેપારી એનાલોગ ઉત્પાદનનો ઉપયોગ કરતો હોય તો તેણે ગ્રાહકોને તેની સ્પષ્ટ જાણકારી આપવી ફરજિયાત છે. કુદરતી દૂધમાંથી બનેલા અસલી ચીઝ કે પનીરના નામે એનાલોગ પ્રોડક્ટ વેચીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવી એ ખાદ્ય સુરક્ષા કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે.
આ તપાસ દરમિયાન અધિકારીઓને એક નાસ્તાની દુકાનમાંથી છૂટક વેચાણ માટે રાખવામાં આવેલું એનાલોગ પનીર મળી આવ્યું હતું. આ સિવાય, જામનગર શહેરના એક પિઝા પાર્લરમાં તપાસ કરતા ત્યાંથી અંદાજે 12.50 કિલો જેટલો એનાલોગ ચીઝનો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ વિભાગે તુરંત જ આ 12.50 કિલો એનાલોગ ચીઝ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
