સુરતમાં વરાછા ઓવરબ્રિજ પાસે કારમાં ભીષણ આગ
બ્રિજ પરથી નીચે ઉતરતી વખતે આ દુર્ઘટના બની
આગને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો
ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ
સુરતમાં વાહનોમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે વરાછા ઓવરબ્રિજ પાસે કારમાં ભીષણ આગ લાગી હતી. જેને લઈ ટ્રાફિકજામ સર્જાયો હતો.
સુરત શહેરના વરાછા ઓવરબ્રિજ પાસે આજે એક ચાલુ કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. બ્રિજ પરથી નીચે ઉતરતી વખતે આ દુર્ઘટના બની હતી, જેના કારણે તાત્કાલિક ધોરણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. કાર વરાછા ઓવરબ્રિજ પરથી ઉતારી રહી હતી ત્યારે અચાનક તેના એન્જિનના ભાગમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું અને ગણતરીની મિનિટોમાં જ આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે, તેના કારણે ધૂમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા. ઓવરબ્રિજ પર અને નીચેના માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી જતાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે વાહનચાલકો અટવાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ બુઝાય ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે આગમાં જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.
