રાજ્યમાં પહેલીવાર દેહવ્યાપારથી ખરીદેલી 80 લાખની પ્રોપર્ટી જપ્ત
ભાવનગરના કેસમાં પ્રથમવાર પાસાનો હુકમ,
મહિલા સંચાલિકાની અટકાયત કરી ભુજની જેલમાં ધકેલાઈ
ભાવનગરમાં સ્પાની આડમાં અનૈતિક દેહવ્યાપાર ચલાવતી એક મહિલા વિરુદ્ધ જિલ્લા કલેક્ટર દ્વારા પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીના પગલે નિલમબાગ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી તેને ભુજની જેલમાં મોકલી આપી છે.
LCB ના પીઆઇ એમ. એમ. સરવૈયાએ જણાવ્યું કે, દેહવ્યાપાર કેસમાં પાસા હેઠળ કોઈ મહિલા સામે કાર્યવાહી થઈ હોય તે શહેરની આ પ્રથમ ઘટના છે. જ્યારે ASP ઘનશ્યામ ગૌતમના જણાવ્યા અનુસાર, આ દેહવ્યાપારના ગુનામાં કડક કાર્યવાહી કરીને રાજ્યમાં પહેલીવાર આ ગેરકાયદેસર કમાણીમાંથી ખરીદાયેલી 80 લાખ રૂપિયાની પ્રોપર્ટીને સીલ મારીને જપ્ત કરાઈ છે.બે જગ્યાએ સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ ભાવનગર પોલીસે શહેરના બે અલગ-અલગ સ્થળો પર દરોડા પાડીને આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલા ઇવા સુરભી કોમ્પલેક્ષના ત્રીજા માળે દુકાન નં. 309માં ચાલતા “આયુર થાઇ ફેમીલી સ્પા” અને શિવા બ્લેસીંગ બિલ્ડીંગના બીજા માળે આવેલા “ક્રિસ્ટલ ફેમીલી સ્પા”નો સમાવેશ થાય છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, સ્પામાં મસાજના બહાને ગ્રાહકો પાસેથી મોટી રકમ વસૂલવામાં આવતી હતી. મહિલાઓને ત્યાં જ રાખીને, તેમને ધમકીઓ આપીને તેમનું આર્થિક અને શારીરિક શોષણ કરવામાં આવતું હતું. આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સ્પા સંચાલક મહિલા દ્વારા નિયંત્રિત કરવામાં આવતી હતી. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી શબાનાએ વર્ષ 2022માં “આયુર થાઇ ફેમીલી સ્પા” વાળી દુકાન સૌપ્રથમ ભાડે રાખીને આ વ્યવસાય શરૂ કર્યો હતો. ત્યારબાદ આ અનૈતિક ધંધામાંથી મળેલી કાળી કમાણીનો ઉપયોગ કરીને તેણે એ જ દુકાન ખરીદી લીધી હતી. આશરે ₹80 લાખની બજાર કિંમત ધરાવતી આ મિલકત ગેરકાયદેસર આવકમાંથી ઊભી કરાઈ હોવાનું સાબિત થતાં પોલીસે નવા કાયદા મુજબ તેને ટાંચમાં લેવામાં આવી છે
