ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે ખોટી ઓળખ આપી પૈસા પડાવતી ગેંગનો પર્દાફાશ
ક્રાઈમ બ્રાન્ચે ગેંગના એક સભ્યને ઝડપી પાડ્યો
ડુમસ પોલીસ મથકમાં નોંધાયેલા ચીટીંગના ગુનાનો ભેદ ઉકેલાયો
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફુડ ઈન્સ્પેક્ટર તરીકે ખોટી ઓળક આપી પૈસા પડાવવા માટે ચીટીંગ કરતી ગેંગના એકને ઝડપી પાડી ડુમસ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
સુરતમાં ફૂડ ઇન્સ્પેક્ટર બની હોટલ અને કેફે સંચાલકોને ડરાવી કે લાલચ આપી પૈસા પડાવતી ગેંગ સક્રિય થઈ હતી ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે પોલીસની ટીમ આણંદ પહોંચી હતી. જ્યાંથી ધ કેરેટર હોટલમાં કુક તરીકે કામ કરતા યોગેશ ત્રિલોચન ભટ્ટને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતુ કે આરોપીનો સાગરીત નિરજ પોતે સુરત મહાનગર પાલિકાનો ફૂડ ઈન્સ્પેક્ટર નીતિનભાઈ હોવાની ખોટી ઓળખ આપી ડુમસના ફ્લેમ્સ કેફેના સંચાલક સાથે વોટ્સએપ કોલ અને મેસેજથી સંપર્કમાં આવ્યો હતો. કેફેમાં ચેકિંગ કરવાના નામે 3,500 રૂપિયા અને સારો રિવ્યૂ આપી તેનું સર્ટિફિકેટ બનાવી આપવાની લાલચ આપી હતી. આ રીતે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે આરોપીના બેંક ખાતામાં કુલ 29,090 રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે યોગેશ ભટ્ટની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી માટે ડુમસ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. હવે આ ગેંગમાં સંડોવાયેલા અન્ય સાગરીતની ભૂમિકા અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
