ગોડાદરામાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં 2 સગા ભાઈ ઝડપાયા
ટેક્નિકલ સર્વેલન્સથી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા
સુરતના ગોડાદરા વિસ્તારમાં સગીરવયની બાળકી સાથે દુષ્કર્મના ગંભીર કેસમાં ગોડાદરા પોલીસે ગણતરીની કલાકોમાં જ ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી બે સગા ભાઈઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મનો ગંભીર બનાવ સામે આવ્યો હતો. જે અંગે પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ડિસેમ્બર 2025થી આરોપીએ સગીરા સાથે પરિચય કેળવી પ્રેમસંબંધના બહાને શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ મામલાની જાણ આરોપીના મોટા ભાઈને થતાં તેણે પણ સગીરાને ધમકી આપી શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો. સગીરાએ સમગ્ર ઘટનાની જાણ માતાને કરતાં માતાએ બંને ભાઈઓને આ બાબતે પૂછપરછ કરી હતી. આ દરમિયાન મોટા ભાઈએ ફરિયાદ ન કરવાની અને કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે મામલો પોલીસ સુધી પહોંચતા ગોડાદરા પોલીસે ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી અને ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે ગણતરીની કલાકોમાં જ બંને નરાધમ સગાભાઈ આરોપીઓ સાદીરઅલી અને આમીશઅલીને ઝડપી પાડ્યા હતાં. તો બન્ને આરોપીઓ મુળ યુપીના બદાયુના હોવાનુ સામે આવ્યુ છે. હાલ ગોડાદરા પોલીસે નરાધમ ભાઈઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.
