અરવલ્લીના ભિલોડામાં કમોસમી વરસાદ
ગાજવીજ સાથે ધોધમાર વરસાદ,
બાજરી-ઘાસચારાને નુકસાનની ભીતિ
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા નગરમા અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. એકાએક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
રાજ્યમાં આ વખતે જોઈએ તેટલી ગરમી પડી નથી અને વચ્ચે વચ્ચે માવઠાએ એન્ટ્રી કરી લેતા નાગરિકોને બફારામાં શેકાવાનો વારો આવ્યો છે, જો કે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. ભારે ઉકળાટ અને બફારા બાદ ભિલોડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જો કે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પણ બીજી તરફ આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. છેલ્લા એક મહિનાથી અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની બાજરીની ફસલ અને ઘાસચારાને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.