માંડવીના બૌધાનથી જુગાર રમતા 6 ઝડપાયા
સુરત જિલ્લા એલસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધા
પોલીસએ 2 લાખ 66 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
માંડવી તાલુકાના બૌધાન ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા 6 શખ્સોને સુરત જિલ્લા એલસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે તેની પાસેથી રૂ. 2 લાખ 66 હજાર 530 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબીની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, બૌધાન ગામની સીમમાં ગળદેવી મંદિરની પાછળના ભાગે ઝાબડી ખાડીના કિનારે આંબાના ઝાડ નીચે જાહેરમાં કેટલાક ઇસમો ગોળ કુંડાળું કરી પૈસા વડે ગંજીપાનાંનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે છાપો મારતા સ્થળ પર જુગાર રમી રહેલા શખ્સોમાં ભાગદોડ મચી ગઈ હતી. જે પૈકી પોલીસે 6 શખ્સોને દબોચી લીધા હતા જ્યારે બે શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે દાવ પર મૂકેલા રોકડ રૂ. 4330, અંગઝડતીના રોકડા રૂ. 42,200, મોબાઇલ ફોન 6 કિંમત રૂ. 1 લાખ, મોટર સાઇકલ અને મોપેડ મળી 5 વાહનો કિંમત રૂ. 1.20 લાખ મળી કુલ 2,66,530 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો અને લાલુભાઈ અરવિંદભાઈ વસાવા (ઉ.વ.25, રહે વરેલી, ટાંકી ફળિયું, તા. માંડવી, જિ.સુરત), રાહુલ રાજુભાઈ પાટિલ (ઉ.વ.31, રહે બૌધાન, ખળી ફળિયું, તા. માંડવી), હર્ષ સતિશ દરજી (ઉ.વ.21, મોતા, પંડ્યા ફળિયું, તા. બારડોલી), અમિન ફારૂક પટેલ (ઉ.વ.27, રહે કડોદ, તા. બારડોલી), ઇમરાન ઈસ્માઈલ પઠાણ (ઉ,વ, 44, રહે ઘલા, તા. કામરેજ) અને મહેશ જગુભાઈ રાઠોડ (ઉ.વ.47, રહે ઘલા, તા. કામરેજ)ની ધરપકડ કરી હતી. જ્યારે નાસી છૂટેલા વિનોદ સૂકાભાઈ વસાવા (રહે વરેલી, તા. માંડવી) અને નાસીર મહોમ્મદ પઠાણ (રહે ઘલા તા. કામરેજ)ને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઉપરોક્ત તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.