ભેસ્તાન પોલીસના હાથે આંતરરાજ્ય સાયબર ઠગ ટોળકી ઝડપાઈ
બેંક એકાઉન્ટ ભાડે મેળવી સાયબર ફ્રોડ કરતી ટોળકીનો પર્દાફાશ
મોબાઈલ અને બેંક કીટ સહિત લાખોની મત્તા કબજે કરી
સુરતની ભેસ્તાન પોલીસે લોકોને લોભ લાલચ આપી બેંક એકાઉન્ટ ભાડે મેળવી સાયબર ક્રાઈમ આચરતી આંતર રાજ્ય ટોળકીને પકડી પાડી મોબાઈલ, બેંક કીટ સહિત લાખોની મત્તા કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર દ્વારા સાયબર ક્રાઈમ નેટવર્કને નેસ્ત નાબુદ કરવા માટે આપેલી સુચનાને લઈ ઉચ્ચ અધિકારીઓના આદેશથી ભેસ્તાન પોલીસની ટીમ તપાસમાં હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે ભેસ્તાન રાજ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ એક મકાનમાં દરોડા પાડી ત્યાંથી લોકોને લોભ લાલચ આપી બેંક એકાઉન્ટ ભાડે મેળવી સાયબર ક્રાઈમ ગુનો આચરતી આંતર રાજ્ય ટોળકીના રીઢાઓ રાહીલ રઝાક ફૈઝી સૈયદ, આમીરખાન આસમોહમદ ખાન, સાહીલ ઉર્ફે પોલુ સૈયદ અને સમીર જેકમ ખાનને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી 15 જેટલા મોબાઈલ ફોન, અલગ અલગ બેંકોના ડેબીટ કાર્ડ, પાસબુક, ચેકબુક સહિત કીટ અને રોકડા રૂપિયા મળી 5.72 લાખથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
