સુરતના વિજયનગર આશાપુરી ખાડીમાંથી નવજાતનો મૃતદેહ મળી આવ્યો
કચરામાં આગની જાણ બાદ સફાઈ કર્મચારીઓને મૃતદેહ નજરે પડ્યો
ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરી
સુરતના વિજયનગર વિસ્તારમાં આવેલી આશાપુરી ખાડીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. કચરામાં લાગેલી આગની જાણ થતાં સફાઈ કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં સુપરવાઈઝરની નજર ખાડીમાં પડેલા નવજાતના મૃતદેહ પર પડી હતી. ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરી હતી.
સુરતના વિજયનગરની આશાપુરી ખાડીમાંથી નવજાત શિશુનો મૃતદેહ અત્યંત ખરાબ હાલતમાં મળી આવ્યો છે. ખાડી પાસે કચરામાં આગ લાગી હોવાની જાણ થતાં ડોર-ટુ-ડોર સફાઈ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. દરમિયાન સુપરવાઈઝર જીતેન્દ્ર પાટીલની નજર ખાડીમાં પડેલા નવજાતના મૃતદેહ પર પડી હતી. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર કર્મચારીઓએ ખાડીમાં ઉતરી મૃતદેહને બહાર કાઢ્યો હતો. સુપરવાઈઝરના જણાવ્યા મુજબ મૃતદેહનો ચહેરો સડી ગયેલી હાલતમાં હતો. મૃતદેહ હોસ્પિટલમાંથી ફેંકવામાં આવ્યો હોવાની આશંકા પણ તેમણે વ્યક્ત કરી છે. જોકે, નવજાતને કોણ અને કયા સંજોગોમાં ખાડીમાં ફેંકી ગયું તે તપાસનો વિષય બન્યો છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
