TAT HS પરીક્ષાના મૂલ્યાંકનમાં પારદર્શિતા અને પુન
મૂલ્યાંકનની માંગ સાથે તાપી કલેક્ટરને આવેદનપત્ર
વ્યારા (તાપી): તાજેતરમાં યોજાયેલી TAT-HS પરીક્ષાના પરિણામો અને મૂલ્યાંકન પ્રક્રિયાને લઈને ઉમેદવારોમાં ઉઠેલા પ્રશ્નો અને અસંતોષના મામલે હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી
ઉમેદવારોના હિતમાં વિવિધ માંગણીઓ કરવામાં આવી છે. તારીખ ૨૧/૧૧/૨૦૨૬ના રોજ સુપરત કરાયેલા આ આવેદનપત્રની નકલ રાજ્યના મુખ્યમંત્રીને પણ રવાના કરવામાં આવી છે. હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) ના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ મહેન્દ્ર અયાલાની દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, TAT-HS પરીક્ષાના પરિણામો અને મૂલ્યાંકન પદ્ધતિ અંગે ઉમેદવારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. પરીક્ષામાં ન્યાય અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે આવેદનપત્રમાં નીચે મુજબની મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે: પેપર-૧ અને પેપર-૨ ના ગુણ અલગ-અલગ જાહેર કરવામાં આવે અને બંને પેપરના કુલ ગુણની સ્પષ્ટ વિગત આપવામાં આવે. પારદર્શિતા જાળવવા માટે ઉમેદવારોને તેમની ઉત્તરવહીની નકલ ઉપલબ્ધ કરાવવામાં આવે. ગુણની ગણતરીમાં ચોકસાઈ રાખવામાં આવે અને મૂલ્યાંકન સંબંધિત ભૂલો સામે રજૂઆત કરવાની તક આપવામાં આવે. કોઈપણ સંજોગોમાં TAT-HS પરીક્ષા રદ કરવામાં ન આવે; જો કોઈ ભૂલ કે અનિયમિતતા જણાય તો તેની ઊંડાણપૂર્વક તપાસ કરી યોગ્ય સુધારા સાથે કાર્યવાહી કરવામાં આવે. ઉમેદવારોના હિતમાં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડને ઉત્તરવહીઓનું રી-એસેસમેન્ટ (પુનઃમૂલ્યાંકન) કરવાની પરવાનગી આપવામાં આવે, જેથી સંભવિત ભૂલો સુધારી ઉમેદવારોને યોગ્ય ગુણ મળી શકે. આ મામલે તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક વિચારણા કરી ઉમેદવારોના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી આવેદનપત્રમાં અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે….
