મોડાસામાં નશામાં ધૂત કાર ચાલકે બે બાઇક સવારોને અડફેટે લીધા
સ્વામિનારાયણ મંદિર પાસે થયેલા અકસ્માતમાં કાર પલટી ગઈ
અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થયા
મોડાસા શહેરના બાયપાસ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે બે બાઇક સવારોને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર પણ પલટી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર મોડાસાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પાસે અકસ્માત સર્જ્યો હતો. બાઈક ને અડફેટે લીધા બાદ કાર રોડ પર પલટી ગઈ હતી. બાઇક સવારો રોડ પર પટકાયા હતા. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પલટી ગયેલી કારમાંથી ત્રણ યુવકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણેય નશાની હાલતમાં હતા અને કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી.
ઘટનાસ્થળે હાજર લોકોએ નશામાં ધૂત ત્રણેય યુવકોને મેથીપાક ચખાડ્યો હતો. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કારમાં સવાર ત્રણેય નશાખોર યુવકોની ધરપકડ કરી હતી. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરી છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની ઘટનાઓમાં વધારો નોંધાયો છે.