નડિયાદમાં રખડતા ઢોર મામલે ધારાસભ્ય એક્શન મોડમાં
ધારાસભ્ય પંકજ દેસાઈ દ્વારા મનપાને પત્ર લખી યોગ્ય કાર્યવાહીની સૂચના
ગઈકાલે પણ રખડતા ઢોરે બાળક અને માતા પર કર્યો હતો હુમલો
નડીયાદના પીજ રોડ પર રખડતી ગાયના કારણે સર્જાયેલા અકસ્માતમાં માતા અને ચાર વર્ષીય પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
નડીયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પીજ રોડ પર રખડતી ગાયના કારણે અકસ્માત સર્જાયો હતો. ગીતાંજલિ સોસાયટીમાં રહેતા 40 વર્ષીય ભૂમિબેન જીગરભાઈ પટેલ અને તેમના 4 વર્ષીય પુત્ર અક્ષર પટેલ ગાયની અડફેટે આવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ધારાસભ્ય પંકજ દેસાઈએ મહાનગરપાલિકા તંત્રને તાત્કાલિક પગલા ભરવા રજૂઆત કરી છે. શહેરમાં રખડતી ગાયોના કારણે સતત અકસ્માતો સર્જાતા હોવાના મુદ્દે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી છે. સ્થાનિકોએ રખડતા ઢોરોને પકડવા અને નાગરિકોની સુરક્ષા માટે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
અકસ્માત બાદ ઇજાગ્રસ્ત માતા-પુત્રને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકોનું કહેવું છે કે શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા લાંબા સમયથી યથાવત છે, છતાં તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
