સુરતમાં જલારામ બાપાની 227મી જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી,
લાભેશ્વરથી મીનીબજાર સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ
સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 227મી જન્મ જયંતિ નિમિત્તે સુરત શહેરમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ જલારામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. જ્યારે લાભેશ્વરથી મીનીબજાર સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતાં.
આજે એટલે કે 16 નવેમ્બરના રોજ સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 227મી જન્મ જયંતિની સુરતમાં ભારે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જલારામ બાપાના જયઘોષ સાથે લાભેશ્વરથી મીનીબજાર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને સમગ્ર માર્ગ ભક્તિમય માહોલમાં રંગાઈ ગયો હતો. મીનીબજાર પટેલ સમાજની વાડી ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાઆરતી, અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારથી જ શહેરના વિવિધ જલારામ મંદિરોમાં દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સેવા, ભક્તિ અને સમર્પણના પ્રતીક એવા જલારામ બાપાની જન્મ જયંતિએ સુરતમાં શ્રદ્ધાનો અનેરો માહોલ સર્જાયો હતો.
