ઉચ્છલમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી
મંત્રી જયરામ ગામીતના હસ્તે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ અને જીવનચરિત્રના પુસ્તકનું વિમોચન
લાભાર્થીઓને સરકારી યોજનાના લાભોનું વિતરણ
તાપી, તા. ૧૫ નવેમ્બર ૨૦૨૬: આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના બાબરઘાટ (૧૭૨ વિધાનસભા મતવિસ્તાર) ખાતે ‘જનજાતિ ગૌરવ દિવસ’ની અત્યંત ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ રાજ્યકક્ષાના પ્રેરણાદાયી કાર્યક્રમમાં રાજ્યના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના વરદ્ હસ્તે હજારો લાભાર્થીઓને જંગલ જમીન અધિકાર પત્રો તેમજ વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની સહાય અર્પણ કરવામાં આવી હતી. આ ઐતિહાસિક અવસરે મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે સોનગઢ તાલુકાના ખરસી ગામના વતની અને યુવા લેખક વિશાલ ગામીત લિખિત પુસ્તક ‘ધરતી આબા – જનનાયક બિરસા મુંડા’નું વિમોચન કરવામાં આવ્યું હતું. આદર્શ પ્રકાશન દ્વારા પ્રકાશિત આ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ મહાનાયક ભગવાન બિરસા મુંડાના જીવન, ‘ઉલગુલાન’ના ઐતિહાસિક સંઘર્ષ અને આદિવાસી સમાજના ગૌરવશાળી વારસાને ગુજરાતી વાચકો અને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે. BBA અને MBA બાદ હાલ વાહનવ્યવહાર વિભાગમાં ફરજ બજાવતા તેમજ LLBનો અભ્યાસ કરતા વિશાલ ગામીતે આ પ્રસંગે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે, લેખન ઉપરાંત તેઓ સામાજિક સેવામાં પણ અગ્રેસર છે; તાજેતરમાં ખરસી ગામે સેવા સંકલ્પ અભિયાન હેઠળ યોજાયેલા કેમ્પમાં ૬૩૭ લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેમાં ૪૮ બોટલ રક્તદાન અને ૨૭ દર્દીઓના નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન કરાવાયા હતા. સમારોહ દરમિયાન આદિવાસી સંસ્કૃતિના સંગીતના તાલે મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત ખુદ ઝૂમતા નજરે પડ્યા હતા, જેનાથી જનમેદનીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઉપરાંત, રાજ્યકક્ષાએ નામ રોશન કરનાર રમતવીરો, ધોરણ ૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ ‘કુંવરબાઈનું મામેરુ’ અને ‘આની યોજના’ના લાભાર્થીઓને મંચ પરથી સન્માનિત કરી સહાય ચૂકવવામાં આવી હતી. મંચ પરથી જનમેદનીને સંબોધતા મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, “આદિવાસીઓના કોઈપણ અનામત હક્કો છીનવાઈ જવાના નથી, તેથી નાગરિકોએ કોઈ ખોટા લોકોની વાતો કે અફવાઓમાં આવ્યા વગર વિકાસની મુખ્યધારા સાથે જોડાયેલા રહેવું. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદની સાથે તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સુરજભાઈ વસાવા, મહામંત્રી નિખીલભાઈ શેઠ, સુમુલ ડેરીના જાલમસિંહભાઈ વસાવા સહિત મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
