ભાવનગર જિલ્લામાં માર્કેટિંગ યાર્ડના નામે રૂ. 2 કરોડનું ટ્રાન્સફર કૌભાંડ
પાલીતાણા અને તળાજા માર્કેટિંગ યાર્ડના બનાવટી લેટરપેડનો કરાયો ઉપયોગ
ખોટી પેઢીઓ ઊભી કરી નાણાંની હેરફેર કર્યાનો ખુલાસો
ટ્રાન્સફર કૌભાંડમાં ચાર શખ્સોની ધરપકડ
કૌભાંડના મુખ્ય સૂત્રધાર તરીકે મહંમદ તકીની ભૂમિકા સામે આવી
ભાવનગર જિલ્લામાં માર્કેટિંગ યાર્ડના નામે બનાવટી બેંક એકાઉન્ટ અને પેઢીઓ ઊભી કરી કરોડો રૂપિયાની હેરફેર કરવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. પાલીતાણા અને તળાજા તાલુકાના માર્કેટિંગ યાર્ડનાં બનાવટી લેટરપેડનો ઉપયોગ કરીને ખોટી પેઢીઓ બનાવવામાં આવતી હતી અને તેના માધ્યમથી રોજેરોજ લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરવામાં આવતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ સમગ્ર મામલે એસઓજી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કૌભાંડને લઈને સૌપ્રથમ પાલીતાણા પોલીસ સ્ટેશન અને ત્યારબાદ તળાજા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધવામાં આવ્યા છે. અત્યાર સુધીની તપાસમાં માર્કેટિંગ યાર્ડની બનાવટી પેઢીઓના નામે અંદાજે બે કરોડ રૂપિયાની હેરફેર થઈ હોવાનું સામે આવ્યું છે. તપાસમાં મોટા વ્યવસાયિક એકમોના નાણાં પણ આ બનાવટી એકાઉન્ટ મારફતે ટ્રાન્સફર કરવામાં આવતા હોવાનું અને APMCના બેંક એકાઉન્ટના નામે TDSની ચોરી કરવામાં આવતી હોવાની વિગતો બહાર આવી છે. આ કૌભાંડમાં પ્રાથમિક તપાસના આધારે રિયાઝ નાથાણી, સુલતાન અલી વેલાણી, દોસ્ત મહમદ વેલાણી અને તળાજાના પ્રોપ્રાઇટર સાકીર અલી શેખની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સમગ્ર કૌભાંડમાં મહંમદ તકી નામના વ્યક્તિની મુખ્ય ભૂમિકા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલ તે જેલમાં હોવાથી તેને પોલીસ કસ્ટડીમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. એસઓજી પોલીસ દ્વારા આ નાણાકીય હેરફેર પાછળ સંકળાયેલા અન્ય લોકો, બનાવટી પેઢીઓ અને નાણાંના વ્યવહારો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
