વર્લ્ડમાં પ્રથમ વખત બ્રોડ ગેજ ટ્રેક પર દોડશે
સેમી હાઈ-સ્પીડ ટ્રેન અમદાવાદ ધોલેરા કોરિડોરને મળી ઐતિહાસિક મંજૂરી
ગુજરાતને મળ્યો ભારતનો પ્રથમ સેમી હાઈ સ્પીડ રેલ કોરિડોર અમદાવાદ ધોલેરા વચ્ચે બનશે, 134 કિમી લાંબો બ્રોડ ગેજ સેમી હાઈ-સ્પીડ કોરિડોર 20,667 કરોડના ખર્ચે વિકસિત થશે. દેશનો પ્રથમ સ્વદેશી ટેક્નોલોજી આધારિત સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ નમો ભારત ટ્રેનોનું થશે સંચાલન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતિ એ ગુજરાતને દેશનો પ્રથમ બ્રોડ ગેજ સેમી હાઈ-સ્પીડ રેલ કોરિડોર આપતા અમદાવાદ ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને ઐતિહાસિક મંજૂરી આપી છે. અંદાજે 20,667 કરોડના ખર્ચે બનનાર આ પ્રોજેક્ટ ભારતીય રેલવેનો પ્રથમ સ્વદેશી ટેક્નોલોજી આધારિત સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ હશે, જેમાં ભવિષ્યમાં નમો ભારત ટ્રેનો દોડાવવામાં આવશે. લગભગ 134 કિલોમીટર લાંબી આ નવી ડબલ રેલ લાઇન અમદાવાદ, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, આવનાર ધોલેરા આંતરરાષ્ટ્રીય વિમાનમથક તેમજ લોથલ સ્થિત નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સને અત્યાધુનિક રેલ કનેક્ટિવિટી પ્રદાન કરશે. પ્રોજેક્ટની ડિઝાઇન ગતિ 220 કિમી પ્રતિ કલાક અને સંચાલન ગતિ 200 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. આ કોરિડોર પર કુલ 13 સ્ટેશનો વિકસાવવામાં આવશે.
પ્રોજેક્ટ હેઠળ 3 મેગા બ્રિજ, 74 કિલોમીટર વાયાડક્ટ, 39 રોડ અંડર બ્રિજ અને 2 રેલ ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. કુલ ટ્રેક લંબાઈ અંદાજે 293 કિલોમીટર રહેશે. આ પ્રોજેક્ટ આગામી 4 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અમદાવાદ ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ ભારતીય રેલવેના ઇતિહાસમાં નવી શરૂઆત છે. આ માત્ર એક રેલ લાઇન નથી પરંતુ ન્યૂ ઇન્ડિયા ની આધુનિક ઝડપી અને આત્મનિર્ભર પરિવહન વ્યવસ્થાનું પ્રતિક છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ ભારતીય રેલવે આત્મનિર્ભર ભારતના વિઝનને નવી ગતિ આપી રહી છે. સ્વદેશી ટેક્નોલોજી આધારિત આ પ્રોજેક્ટ ભવિષ્યમાં સમગ્ર દેશમાં સેમી હાઈ-સ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણનો આધાર બનશે.
