નવસારી પાલિકા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે છૂટાહાથની મારામારી
ઉમેદવારની પુત્રી સાથે ગેરવર્તન મુદ્દે મામલો બિચક્તા સામસામે તમાચા
કોંગ્રેસી ઉમેદવાર પ્રમોદ રાઠોડે અમારા પૂર્વ કાઉન્સેલરને માર માર્યો હતો
નવસારી પાલિકા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે છૂટાહાથની મારામારી થઇ હતી, ઉમેદવારની પુત્રી સાથે ગેરવર્તન મુદ્દે મામલો બિચક્તા સામસામે તમાચા ઝીંકાયાહતા
વસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગરમાયેલા રાજકીય માહોલ વચ્ચે આજે હિંસક વળાંક જોવા મળ્યો હતો. શહેરના સિવિક સેન્ટર સ્થિત મતદાન મથક પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો તેમજ આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનામાં બંને પક્ષના આગેવાનોએ એકબીજા પર હુમલો કરતા વાતાવરણ તંગ બની ગયું હતું, જેને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મળતી માહિતી મુજબ, કોંગ્રેસના પોલિંગ એજન્ટ ઘરે જમવા ગયા હોવાથી તેમની જગ્યાએ કોંગી ઉમેદવાર પ્રમોદ રાઠોડની પુત્રી મતદાન મથકે બેઠી હતી. આ દરમિયાન ભાજપના એક આગેવાને પ્રમોદ રાઠોડની પુત્રી સાથે અભદ્ર ભાષામાં વાતચીત કરતા વિવાદની શરૂઆત થઈ હતી. આ બાબતની જાણ ઉમેદવાર પ્રમોદ રાઠોડને થતા તેઓ તુરંત સિવિક સેન્ટર મતદાન મથકે પહોંચ્યા હતા.
વઘટનાસ્થળે પહોંચેલા કોંગી ઉમેદવાર પ્રમોદ રાઠોડ અને ભાજપના આગેવાન અમૃત પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ પ્રમોદ રાઠોડે અમૃત પટેલને તમાચો ઝીંકી દીધો હતો. જોકે, શરૂઆતમાં સમજાવટ બાદ મામલો શાંત પડ્યો હોય તેવું લાગતું હતું, પરંતુ ટૂંક સમયમાં જ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ નિલેશ ગુરવ સાથે ફરી માથાકૂટ શરૂ થઈ હતી. સ્થિતિ વધુ વણસતા ભાજપના વરિષ્ઠ આગેવાન સુરેશ શેઠ સહિતના નેતાઓ મતદાન મથકે પહોંચ્યા હતા. આ દરમિયાન સુરેશ શેઠે કોંગ્રેસી ઉમેદવાર પ્રમોદ રાઠોડને તમાચો મારતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. ભાજપી આગેવાન સુરેશ શેઠે કહ્યું હતું કે હું સમજાવવા ગયો હતો, કોંગ્રેસી ઉમેદવાર પ્રમોદ રાઠોડે અમારા પૂર્વ કાઉન્સેલરને માર માર્યો હતો
ચૂંટણીના દિવસે જ જાહેરમાં થયેલી આ મારામારીને પગલે નવસારી ટાઉન પોલીસના પી.આઈ. (PI) સહિતની ટીમ તાત્કાલિક અસરથી સિવિક સેન્ટર ખાતે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટના અંગે કોંગી ઉમેદવાર પ્રમોદ રાઠોડે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ ભાજપના આગેવાન સુરેશ શેઠ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ કાયદાકીય કાર્યવાહી કરશે. હાલમાં મતદાન મથક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.
