સુરતમાં ઈન્ડિયન સ્ટાર કાચબાના ગેરકાયદે વેપારનો પર્દાફાશ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ઈન્ડિયન સ્ટાર કાચબાના ગેરકાયદે વેપારનો પર્દાફાશ
18 જીવિત સ્ટાર કાચબા સાથે બે શખ્સોની અટકાયત

સુરતમાં દુર્લભ પ્રજાતિના ઈન્ડિયન સ્ટાર કાચબાના ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ થયો હોય તેમ ઉધના દરવાજા વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગે કાર્યવાહી કરી 18 જેટલા જીવિત સ્ટાર કાચબા સાથે બે શખ્સોની અટકાયત કરી હતી.

ઘરમાં કાચબો રાખવો શુભ હોય છે તેવી અંધશ્રદ્ધાનો લાભ લઈ કાચબાના વેચાણનો વેપાર ચાલી રહ્યો હોવાની માહિતી ફોરેસ્ટ વિભાગને મળી હતી. અંગત માહિતીના આધારે અધિકારીઓએ ઉધના દરવાજા નવસારી બજાર સ્થિત સુરત એન્ટરપ્રાઇઝ ખાતે ડમી ગ્રાહક મોકલી છટકું ગોઠવ્યું હતું. ડમી ગ્રાહકે કાચબા ખરીદવાની માંગ કરતા દુકાનદાર દિનેશ ઠાકોરે અન્ય આરોપી શેખ મોહમ્મદ અઝહરને ફોન કર્યો હતો. ત્યારબાદ રહેણાંક મકાનમાંથી 18 જેટલા જીવિત ઈન્ડિયન સ્ટાર કાચબા દુકાન પર લાવવામાં આવ્યા હતા. કાચબા દુકાન પર પહોંચતા જ ફોરેસ્ટ વિભાગની ટીમે બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, કાચબાની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લાખોમાં હોવાનું સામે આવ્યું છે અને જપ્ત કરાયેલા કાચબાની અંદાજિત કિંમત 15થી 20 લાખ રૂપિયા હોવાનું જણાવાયું છે. ઈન્ડિયન સ્ટાર કાચબો શેડ્યૂલ-1 હેઠળ સંરક્ષિત દુર્લભ વન્યજીવ છે. તેને ઘરમાં રાખવો કે તેનો વેપાર કરવો વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ ગંભીર ગુનો બની શકે છે. હાલ બંને આરોપીઓ કાચબા ક્યાંથી લાવ્યા અને આ વેપારમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે કેમ તે અંગે ફોરેસ્ટ વિભાગે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *