તાપીમાં 24 થી 27 ડિસેમ્બર દરમિયાન ‘નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર-2026’નું ભવ્ય આયોજન:
આદિવાસી યુવાનો અને કારીગરોને મળશે રાષ્ટ્રીય મંચ
તાપી: સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય દ્વારા આગામી 24 થી 27 ડિસેમ્બર, 2026 દરમિયાન ગાંધી વિદ્યાપીઠ, વેડછી (તા. વાલોડ, જી. તાપી) ખાતે ‘તૃતિય નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર-2026’નું આયોજન કરવામાં આવ્યું છે.
આદિવાસી સમાજના શિક્ષિત યુવાનોમાં સ્વરોજગાર અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે યોજાઈ રહેલા આ મેળામાં આશરે 350 જેટલા પ્રદર્શન-કમ-વેચાણ સ્ટોલ્સ ઊભા કરાશે, જેમાં દેશના 16 જેટલા રાજ્યોમાંથી 1500 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે અને 6 થી 7 લાખ મુલાકાતીઓ આવવાનો અંદાજ છે. અગાઉ સુરભાઈ અને વસરાઈ ખાતે યોજાયેલા સફળ મેળાઓ થકી અત્યાર સુધીમાં આશરે 1000 જેટલા નવા આદિવાસી સાહસિકો વ્યવસાય ક્ષેત્રે આગળ વધ્યા છે. આ ચાર દિવસીય મેળામાં વેપારીઓ અને ખરીદદારો માટે B2B અને B2C પ્લેટફોર્મ સાથે યુવા સંમેલન, માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને નાણાકીય વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન સેમિનાર યોજાશે. મેળામાં આદિવાસી હસ્તકલા, વન પેદાશો, કુદરતી ખેતી અને પરંપરાગત વાનગીઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બનશે. સંપૂર્ણપણે પ્લાસ્ટિકમુક્ત અને પર્યાવરણપ્રેમી અભિગમ ધરાવતા આ આયોજન અંગે પ્રમુખ ડૉ. પ્રદિપભાઈ ગરાસિયાએ જણાવ્યું હતું કે, આ મેળો આદિવાસી કારીગરો, ખેડૂતો અને મહિલાઓને તેમના ઉત્પાદનો માટે યોગ્ય રાષ્ટ્રીય બજાર પૂરું પાડવાની સાથે ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા લાંબા ગાળાનું વ્યવસાયિક નેટવર્ક સ્થાપવાનો એક સાર્થક પ્રયાસ છે.
