ભાવનગર એલસીબીની મોટી કાર્યવાહી
ફ્લિપકાર્ટના પાર્સલ ચોરી કેસમાં સુરતનો ડિલિવરી બોય ઝડપાયો
ઓનલાઈન શોપિંગ કંપની ફ્લિપકાર્ટના પાર્સલની ચોરીના કેસમાં ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. સુરતમાં ફ્લિપકાર્ટ કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા એક યુવકને ભાવનગરમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી પાસેથી મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 4 લાખ 60 હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તપાસમાં આ મુદ્દામાલ સુરતના સારોલી પોલીસ મથકમાં નોંધાયેલા પાર્સલ ચોરીના ગુના સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે.
ભાવનગર પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી. અસારી અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના અને માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વણઉકેલાયેલા મિલકત સંબંધી ગુનાઓની તપાસ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, મોતીબાગ રોડ પર ગંગાજળિયા તળાવની પાળ પાસે એક શખ્સ બિલ કે આધાર પુરાવા વગર મોબાઈલ ફોન અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતાં શંકાસ્પદ શખ્સ પાસેથી વિવિધ કંપનીના મોબાઈલ ફોન, બ્લૂટૂથ, સ્માર્ટ વોચ, ઘડિયાળો, પરફ્યુમ સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી. મુદ્દામાલ અંગે સંતોષકારક જવાબ કે બિલ રજૂ ન કરી શકતાં પોલીસે રૂ. 4,60,512ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીની ઓળખ રૂત્વિક વિનુભાઈ મકવાણા કોળી, ઉંમર 26 વર્ષ, રહે. આખલોલ જકાતનાકા, હુસૈની ચોક, ભાવનગર તરીકે થઈ છે. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ સુરત ખાતે ફ્લિપકાર્ટ કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતો હોવાનું અને આશરે 15 દિવસ પહેલાં પાર્સલોની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આરોપી ગ્રાહકો સુધી પહોંચાડવાના કિંમતી મોબાઈલ ફોન અને અન્ય ચીજવસ્તુઓ ભરેલાં પાર્સલો સગેવગે કરી ચોરી કરતો હોવાની વિગતો સામે આવી છે. ભાવનગર એલસીબીએ આરોપી પાસેથી કુલ 44 પ્રકારની ચીજવસ્તુઓ કબજે કરી વધુ કાયદેસરની કાર્યવાહી માટે તેને ગંગાજળિયા પોલીસ મથકને સોંપ્યો છે. આ મામલે સુરત શહેરના સારોલી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાની તપાસ સાથે પણ કડી જોડાઈ છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એ. વાઢેર, વી.સી. જાડેજા, પી.ડી. ઝાલા, વી.બી. ચૌધરી અને એલસીબીની ટીમે હાથ ધરી હતી
