ભાવનગરના ઉખરલા-માળનાથ માર્ગ પર યુવાનનો મૃતદેહ મળ્યો

Featured Video Play Icon
Spread the love

ભાવનગરના ઉખરલા-માળનાથ માર્ગ પર યુવાનનો મૃતદેહ મળ્યો
ઝાડી-ઝાંખરામાંથી નગ્ન હાલતમાં 29 વર્ષીય યુવાનની લાશ મળી
મૃતદેહ નજીકથી બાઈક મળી આવતા પોલીસ તપાસ તેજ
યુવાનના મોત અંગે ભાઈએ વ્યક્ત કરી હત્યાની આશંકા
પૈસાની ઉઘરાણી માટે ઘરેથી નીકળ્યો હતો મુન્નાભાઈ: પરિવારનો દાવો

ભાવનગરના ઉખરલા-માળનાથ માર્ગ પર ઝાડી-ઝાંખરામાંથી યુવાનનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતદેહ નજીકથી બાઈક પણ મળી આવ્યું છે. મૃતકના ભાઈએ હત્યાની આશંકા વ્યક્ત કરી નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. જોકે, વરતેજ પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ યુવાનનું મોત અકસ્માતે થયું હોવાની શક્યતા છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરી છે.

ભાવનગરના ઉખરલા ગામથી માળનાથ તરફ જતા માર્ગ પર વહેલી સવારે ઝાડી-ઝાંખરામાંથી એક યુવાનનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ ખડસલિયા ગામના 29 વર્ષીય મુન્નાભાઈ હિંમતભાઈ ડાભી તરીકે થઈ છે. મૃતદેહ નજીકથી બાઈક પણ મળી આવતા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં વરતેજ પોલીસ મથકના પી.આઈ. એસ.કે. સોલંકી સહિતનો પોલીસ કાફલો અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બીજી તરફ, મૃતકના ભાઈ દીપકભાઈ ડાભીએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, મુન્નાભાઈ ભાવનગરના શિવાજી સર્કલ નજીક પ્લમ્બિંગનું કામ કરતા હતા અને તેમને છ વર્ષનું બાળક પણ છે. ગત રાત્રે પૈસાની ઉઘરાણીના મામલે તેઓ ઘરેથી બહાર ગયા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. આથી પરિવારે સમગ્ર ઘટનાની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. જોકે, આ મામલે વરતેજ પોલીસ મથકના પી.આઈ. એસ.કે. સોલંકીએ જણાવ્યું હતું કે, ઘટનાસ્થળની રોડની બંને બાજુ તપાસ દરમિયાન લોહીના નિશાન મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં યુવાનનું મોત અકસ્માતે થયું હોવાનું લાગી રહ્યું છે. હાલ અકસ્માત મોત અંગે એ.ડી. નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુવાનનું મોત અકસ્માતે થયું છે કે અન્ય કોઈ કારણસર, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની વધુ તપાસ બાદ સ્પષ્ટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *